Apr 17, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1107

 

અધ્યાય-૧૧૧-સાત્યકિનાં વચનો 


II संजय उवाच II प्रीतियुक्तं च हृदं च मधुराक्षरमेव च I कालयुक्तं च चित्रं च न्याय्यं यच्चाषि भाषितम् II १ II

સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,એ રીતે પ્રેમયુક્ત,સુંદર,મધુર અક્ષરોવાળું,સમયને યોગ્ય,અદભુત અને કહેવાને ન્યાયયુક્ત એવું ધર્મરાજાનું વચન સાંભળીને શિનિશ્રેષ્ઠ સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,અર્જુનને માટે તમે જે ન્યાયયુક્ત,અદભુત અને યશસ્કર વાક્ય કહ્યું તે મેં બરોબર સાંભળ્યું છે.આવા કટોકટીના સમયમાં મારા જેવાને,પોતાના અનુરાગી સુહૃદ તરીકે જોઈને તમે જે રીતે અર્જુનને કહો તે જ રીતે મને કહેવાને પણ યોગ્ય છો.મારે અર્જુનને માટે કદી પણ મારા પ્રાણોને વહાલા કરવાના હોય નહિ,વળી,જયારે તમારી પ્રેરણા થઇ છે તો હું આ મહારણમાં શું ન કરું?

હે મહારાજ,હું દુર્યોધનના સૈન્ય સામે યુદ્ધ કરીશ,ને એટલુંજ નહિ પણ તમારી પાસે હું આ સત્ય કહું છું કે,હું આ રણમાં વિજય પણ મેળવીશ.જયદ્રથનું મરણ થતાં તુરત ક્ષેમકુશળ રહેલા અર્જુનને લઈને હું તમારી પાસે આવી પહોંચીશ.પણ,હે મહારાજ,વાસુદેવ અને અર્જુને મને જે કહ્યું હતું તે મારે તમને અવશ્ય જણાવવું જ જોઈએ.જયદ્રથનો વધ કરવા જતા અર્જુને મને વારંવાર એ ભલામણ કરી હતી કે-'હું જયદ્રથનો વધ કરીને પાછો ન આવું ત્યાં સુધી યુધિષ્ઠિરનું રક્ષણ કરજે.તારા અને પ્રદ્યુમ્નના રક્ષણ નીચે યુધિષ્ઠિરને મૂકીને હું નિશ્ચિન્ત થઈને જયદ્રથ સામે જઈ શકું તેમ છું.દ્રોણાચાર્યને તું જાણે જ છે તેમણે યુધિષ્ઠિરને પકડવાની પ્રતિજ્ઞા કરી છે,ને તે પકડવા સમર્થ પણ છે,માટે તે કોઈ પણ ઉપાયે તેમને ન પકડે નહિ તેમ તું કરજે.જો યુધિષ્ઠિર પકડાશે તો અવશ્ય અમારે વનમાં જ જવું પડશે,ને નિઃશંક મેં કરેલો આ વિજય વ્યર્થ જશે'


હે મહારાજ,આમ તમારા સંબંધે,દ્રોણાચાર્યથી ડરીને ચાલતા અર્જુને,મને એક થાપણ તરીકે તમને સોંપ્યા છે.દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરી શકે તેવો,પ્રદ્યુમ્ન સિવાય એક પણ યોદ્ધો મને અહીં જોવામાં આવતો નથી,અને તે અહીં હાજર નથી.અર્જુન મને આચાર્ય સામે યુદ્ધમાં ઉભો રહી શકે તેવો માને છે તો એ પ્રમાણેની મારા તરફની બુદ્ધિને ને વચનને હું પૂંઠ પાછળ મુકવાનો ઉત્સાહ કરી શકતો નથી.વળી,હું તમારો ત્યાગ કરી શકું તેમ નથી.વિશેષમાં તમે વિચારો કે,આચાર્ય અભેદ્ય કવચથી ઢંકાયેલા છે,ને તે જો તમને રણમાં ભેટશે તો શું થશે? શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન અહીં હાજર હોત તો તેને હું તમારી સોંપણી કરત.


હે રાજન,તમે અર્જુન વિષે ભય ન રાખો.કારણકે તે ગમે એટલો ભાર ઉપાડવા છતાં કદી થાકે તેમ નથી.તેની સામેના યોદ્ધાઓ અર્જુનની સોળમી કળાને સુદ્ધાં પહોંચી શકે તેમ નથી.અરે,આખી પૃથ્વી તેમ જ સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ પણ જો કદાચ અર્જુન સામે યુદ્ધ કરવાને સજ્જ થાય તો પણ તેને પહોંચી શકે તેમ નથી.આમ સમજીને તમે અર્જુનના ભયને દૂર કરો.જ્યાં ધુરંધર અર્જુન અને શ્રીકૃષ્ણ છે ત્યાં કોઈ પણ વિપત્તિ આવતી નથી.હે મહારાજ,જો જેવો હું અહીંથી જઈશ તો દ્રોણાચાર્ય તરેહતરેહનાં અસ્ત્રોનો યુદ્ધમાં ઉપયોગ કરશે,તેનો તમે વિચાર કરો.તે તમને પકડવા તલસી રહ્યા છે.પોતાની પ્રતિજ્ઞાની રક્ષા કરવા માટે ને સત્ય કરવા માટે તે ઘણા જ આતુર છે,તેથી તમે પોતે એકલા જ હો તો તમારું રક્ષણ કરવાની તાતી જરૂર છે.આ સંગ્રામમાં હું તમને કોઈને સોંપ્યા વિના હું કદી પણ હું અહીંથી જઈશ નહિ,મારા કથનનો વિચાર કરીને તમારું પોતાનું પ્રેમ શ્રેય જોઈને જ મને તમે આજ્ઞા કરો.


યુધિષ્ઠિર બોલ્યા-હે સાત્યકિ,તું કહે છે તેમ જ છે પણ મારુ મન અર્જુનની ચિંતામાંથી મુક્ત થતું નથી.હું મારુ રક્ષણ કરવાનો પરમ પ્રયત્ન કરીશ માટે મારી આજ્ઞા પ્રમાણે તું અર્જુન પાસે જા.મેં બરોબર વિચાર કરીને આ નિર્ણય કર્યો છે.અહીં ભીમસેન મારુ રક્ષણ કરશે.વળી,ધૃષ્ટદ્યુમ્ન ને બીજા યોદ્ધાઓ,તથા દ્રૌપદીના પુત્રો મારુ રક્ષણ કરશે તેમાં જરા પણ સંશય નથી.વળી,પાંચ કેકય ભાઈઓ,ઘટોત્કચ,વિરાટ,દ્રુપદ,શિખંડી,ધૃષ્ટકેતુ,કુંતીભોજ,નકુલ,સહદેવ,પાંચાલો,સૃન્જયો-એ બધા યોદ્ધાઓ એકત્ર થઈને મારું રક્ષણ કરશે એમાં સંશય નથી.ધૃષ્ટદ્યુમ્ન,દ્રોણાચાર્યને આગળ વધતા અટકાવી રાખશે.તે જ્યાં ઉભો રહેશે તે સ્થળે દ્રોણાચાર્ય કે તેમનું સૈન્ય કોઈ પણ રીતે આગળ વધી શકશે નહિ,કેમ કે તે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ ખાસ દ્રોણનો નાશ કરવા માટે જ કવચ,બાણ,તલવાર,ધનુષ્ય આદિ સાથે અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે.માટે હે સાત્યકિ તું મારી ચિંતા ન કર અને નિરાંતે અર્જુન તરફ જા.આ ધૃષ્ટદ્યુમ્ન દ્રોણને આગળ વધતા અટકાવશે ને મારુ રક્ષણ કરશે.(51)

અધ્યાય-111-સમાપ્ત