Page list

Apr 24, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1114

 

અધ્યાય-૧૧૮-સુદર્શનનો વધ 

 II संजय उवाच II द्रोणं स जित्वा पुरुषप्रवीरस्तथैव हार्दिक्यमुखौस्तवदीयान I प्रहस्य सुतं वचनं वमापे शिनिप्रवीरः कुरुपुंगवाय्य्र II १ II

સંજય બોલ્યો-હે ક્રુરુશ્રેષ્ઠ રાજા,પુરુષોમાં વીર એવા તે સાત્યકિએ દ્રોણાચાર્યનો તથા કૃતવર્માનો પરાજય કરીને હસતાં હસતાં સારથિને કહ્યું કે-'હે સૂત,અર્જુને ને કેશવે આ શત્રુઓનો નાશ કરી જ નાખ્યો હતો,આપણે જે કરી રહ્યા છીએ તે તો કેવળ નિમિત્ત જ છે અને આપણે અર્જુને મારેલાને જ મારીએ છીએ' તેમ કહીને તે આગળ વધ્યો,તેને અટકાવવા કોઈ યોદ્ધો સમર્થ થયો નહિ.એવામાં ધનુર્ધર રાજા સુદર્શને તેને અટકાવ્યો ને તેમની વચ્ચે દારુણ સંગ્રામ શરુ થયો.

એ રણમાં સુદર્શને સેંકડો તીક્ષ્ણ બાણો મારીને સાત્યકિને વીંધી નાખવા મંડ્યો હતો,ત્યારે સાત્યકિ પણ તેનાં બાણોને વચ્ચે જ કાપી નાખતો હતો.ને સામે અનેક બાણોનો પ્રહાર કરતો હતો.સુદર્શન પણ સાત્યકિના બાણોને વચ્ચે જ કાપી નાખવા લાગ્યો.વળી,તેણે અગ્નિ સમાન ત્રણ બાણો છોડીને સાત્યકીના કવચને તોડી નાખી તેના ચાર ઘોડાઓને પણ વીંધી નાખ્યા.ત્યારે સાત્યકિએ સંખ્યાબંધ બાણો છોડીને તેના ઘોડાઓને મારી નાખ્યા ને એકદમ ગર્જના કરી મૂકી.પછી,ભલ્લ જાતિના એક બાણથી સુદર્શનના સારથિનું મસ્તક કાપી નાખ્યું અને અગ્નિ સમાન અસ્ત્રાના આકારનું બાણ મૂકીને સુદર્શનના મસ્તકને શરીરથી જુદું પાડી નાખ્યું.આમ સાત્યકિએ રાજપુત્ર અને રાજપૌત્ર એવા સુદર્શનનો નાશ કર્યો હતો.પછી,તે સાત્યકિ પોતાના બાણસમૂહોથી તમારી સેનાને હટાવતો,જે માર્ગે અર્જુન ગયો હતો તે જ માર્ગે આગળ વધી જવા લાગ્યો હતો.(18)

અધ્યાય-118-સમાપ્ત