Apr 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1115

 

અધ્યાય-૧૧૯-મ્લેચ્છોનો પરાજય 

 II संजय उवाच II ततः स सत्यकिर्धिमान महात्मा वृष्णिपुङ्गव:I सुदर्शनं निहत्याजौ यन्तारं पुनरब्रवीत II १ II

સંજય બોલ્યો-હે રાજન,સુદર્શનના વધ પછી વૃષ્ણિવંશના બુદ્ધિમાન,મહામનસ્વી સાત્યકિ સારથિને કહેવા લાગ્યો કે-'હે સૂત,રથ,ઘોડા ને હાથીઓથી ભરેલી દેઓનાચાર્યની સેના મહાસાગર સમાન હતી.જે યોદ્ધો વિજયની અભિલાષા ન રાખે તેવાને માટે તે પ્રાણનાશક સેનાસાગર દુર્ઘર્ષ હતો.જલસંઘની સેનાએ તે સેનાસાગરને ઘેરી રાખ્યો હતો.આવા સેનાસાગરને આપણે પાર કરી ગયા છીએ.હવે તેનાથી ભિન્ન જે સેના છે તેને તો હું નાની નદી સમાન જ સમજુ છું,માટે નિર્ભય થઈને ઘોડાઓ ચલાવ.

દ્રોણાચાર્યને આ યુદ્ધમાં જીતીને હું એમ માનું છું કે આપણે અર્જુનથી દૂર નથી.કૃતવર્માને પરાજિત કરીને હું એમ સમજું છું કે અર્જુન મને મળી જ ગયો છે.મને આ અનેક સેનાઓ જોઈને હવે જરા પણ ત્રાસ થતો નથી.જો,જે માર્ગે અર્જુન ગયો છે તે માર્ગે ધરાશાયી થયેલા ઘોડાઓ,હાથીઓ,રથો ને પાળાઓના ઢગલાઓ દેખાય છે.અર્જુને ખદેડીલી સેના આમતેમ ભાગી રહેલી દેખાય છે.હવે હું એમ માનું છું કે-શ્રીકૃષ્ણ જેના સારથી છે તે અર્જુન આપણા નજીક જ છે.મને ગાંડીવનો ટંકાર સંભળાય છે.અત્યારે મારી સામે શુભ શકુનો પ્રગટ થઇ રહ્યા છે જે બતાવે છે કે અર્જુન સૂર્યાસ્ત પહેલાં જ જયદ્રથનો વધ કરશે.


હે સૂત,હવે ધીરેધીરે ઘોડાઓને આરામ આપતાં તું,હવે શત્રુસેના તરફ મને લઇ જા કે જ્યાં શસ્ત્રો સજ્જ કરીને દુર્યોધન આદિ અને કાંમ્બોજ યોદ્ધાઓ ઉભા છે.ત્યાં મ્લેચ્છો,શકો,કિરાતો,દરદો,બર્બરો,તામ્રલિપ્તકો હાથમાં ધનુષ્ય લઈને દુર્યોધનને આગળ કરીને મારી સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉભા છે.આ સૈન્યનો નાશ કરીને આપણે તેને તરી જ ગયા છીએ એમ નિશ્ચય સમજ'

સારથિ બોલ્યો-'હે યદુવીર,જો કદાચ પરશુરામ જાતે આવીને આગળ ઉભા રહે તો પણ મને લગારે ગભરાટ નહિ થાય.તમે પૂર્વે આ મ્લેચ્છ,કાંમ્બોજ આદિ યોદ્ધાઓનો પરાજય કર્યો જ છે તે સમયે પણ મને કોઈ ગભરાટ થયો નહોતો.હવે હું આપના કહેવા મુજબ એ સર્વ યોધ્ધાઓના સૈન્ય તરફ તમને પહોંચાડી દઉં છું,જેનો વધ કરીને આપણે અર્જુન તરફ આગળ વધી જઈશું'


સાત્યકિ બોલ્યો-'હું પ્રથમ કાંમ્બોજ યોદ્ધાઓનો ને પછી મ્લેચ્છોનો સંહાર કરીને મારા પ્રિય અર્જુન પાસે પહોંચીશ.આજે દુર્યોધન મારુ પરાક્રમ જોશે,તે સૈન્યમાં ઘૂસીને હું આજે ત્રાસ વર્તાવી દઈશ.મારે હાથે છિન્નભિન્ન થતાં કૌરવ સૈન્યોને જોઈને દુર્યોધન સંતાપ કરશે.હું ક્રોધાયમાન થઈને સારાસારા યોદ્ધાઓને મારવા માંડીશ ત્યારે દુર્યોધન આ જગતને બે અર્જુનોવાળું જ માની બેસશે.મેં મારેલા હજારો રાજાઓને જોઈને દુર્યોધન આજે સંતાપ કરશે.હું આ હજારો રાજાઓને મારીને,સર્વ રાજાઓને બતાવી દઈશ કે પાંડવો પ્રત્યે મારી ભક્તિ ને સ્નેહ કેવાં છે.આજે આ કૌરવો મારા બળને,મારા પરાક્રમને ને કૃતઘ્નતા ને જાણશે'


સંજય બોલ્યો-સાત્યકીના કહેવા મુજબ તેનો સારથિ તેને તત્કાળ યવન યોદ્ધાઓ સામે લઇ ગયો.સાત્યકિને સામે આવેલો જોઈને યવન યોદ્ધાઓ બાણોની વૃષ્ટિ કરીને સાત્યકિને વીંધવા લાગ્યા.સાત્યકિએ સામે તેમના બાણો ને અસ્ત્રોને વચમાંથી જ કાપી નાખ્યા અને સામે સડસડાટ ને જોશથી જતાં બાણો મૂકીને તેણે યવન યોદ્ધાઓના મસ્તકો ને ભુજાઓ કાપવા માંડ્યાં.

તે રણમાં તે મ્લેચ્છો સેંકડોની સંખ્યામાં પ્રાણરહિત થઈને પૃથ્વી પર પડવા લાગ્યા.તે રણભૂમિ,મરણ પામીને પડેલા હજારો કામ્બજો,શકો,કિરાતો,ભીલો,બર્બરો-આદિના લોહીથી ભરાઈ ગઈ.સાત્યકિના હાથે મરણ પામેલા યવનોએ ભૂમિને તદ્દન ઢાંકી જ દીધી હતી,જે કોઈ થોડા બાકી રહ્યા હતા તેઓ લગભગ બેભાન થઇ ગયા હતા ને તેમનો યુદ્ધનો ઉત્સાહ ભાંગી ગયો હતો.તે પ્રમાણે તે સર્વને સાત્યકિએ જીતી લીધા,ત્યારે બાકીના ચારે બાજુ વેગપૂર્વક નાસી ગયા.આમ તે મહાન સૈન્યને જીતીને સાત્યકિએ સૈન્યના મધ્યભાગમાં પ્રવેશ કર્યો.(55)

અધ્યાય-119-સમાપ્ત