અધ્યાય-૧૬૧-કાપાકાપી
II संजय उवाच II ततो युधिष्ठिरश्वैव भीमसेनश्च पांडवः I द्रोणपुत्रं महाराज समंतात पर्यवारयन् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી યુધિષ્ઠિર અને ભીમસેન,આગળ ધસીને અશ્વત્થામાને વીંટાઈ વળ્યા હતા.આ તરફથી દુર્યોધન પણ દ્રોણાચાર્યથી વીંટાઇને પાંડવો સામે ધસી આવ્યો.ને ત્યાં તુમુલ યુદ્ધ શરુ થયું હતું કે જે ઘોર સ્વરૂપવાળું હતું.કોપેલ ભીમસેને અમ્બષ્ઠો,માલવો,વંગો,ત્રિગર્તો,શિબીઓ,અભિશાહો,શૂરસેનો ને બીજા કેટલાક યોદ્ધાઓની ટુકડીને યમલોકમાં મોકલી દીધી હતી.ત્યારે પૃથ્વીમાં લોહીનો કીચડ થઇ ગયો હતો.અર્જુને પણ,ભીલ યોદ્ધાઓ,મદ્રકો ને માલવોને મારી નાખ્યા હતા.
એ વેળા દ્રોણચાર્યના રથની આસપાસ 'મારો,મારો,નિર્ભય થઈને વીંધી નાખો' એ પ્રમાણે નો ઘોંઘાટ મચી રહ્યો હતો,તે સાંભળી દ્રોણાચાર્યને ઘણો ક્રોધ થયો ને તેમને વાયવ્યાસ્ત્રનું સંધાન કર્યું,કે જેણે ઘણા યોદ્ધાઓનો નાશ કર્યો.દ્રોણાચાર્યના સખ્ત મારાથી પાંચાલ યોદ્ધાઓ રણમાંથી ભાગવા લાગ્યા,ત્યારે અર્જુન અને ભીમ ત્યાં એકાએક ચડી આવ્યા.દક્ષિણ તરફથી અર્જુને અને ઉત્તર તરફથી ભીમે દ્રોણચાર્ય પર સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા માંડીને તેમને અટકાવવા લાગીને ભારતી સેનાનો સંહાર કરવા માંડ્યો.તે વખતે સૃન્જયો,પાંચાલો,મત્સ્યો ને સોમક યોદ્ધાઓ,અર્જુન અને ભીમને અનુસરી રહ્યા ને મોટી સેના સાથે દ્રોણાચાર્યના સૈન્ય પર ધસી પડીને,અર્જુનના રક્ષણ તળે ભારતી સેનાનો મોટો સંહાર કરવા લાગ્યા હતા.
તે વખતે અંધકાર અને નિંદ્રાના આવેશને લીધે તે ભારતી સેનામાં ભંગાણ પડ્યું.દ્રોણાચાર્ય અને દુર્યોધન તે નાસભાગ કરતી સેનાને પછી વાળવા ઘણો પ્રયાસ કરી રહ્યા હતા,પણ તે સેનાને પાછી વાળી શકતા નહોતા.અર્જુનના બાણોથી છિન્નભિન્ન થયેલી તે મહાસેન સર્વ દિશામાં નાસી રહી હતી.કેટલાક રાજાઓ તો પોતાના ઘોડાઓને ત્યાં પડતા મૂકીને ચોતરફ પલાયન જ કરી જતા હતા (19)
અધ્યાય-161-સમાપ્ત