Jun 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1160

 

અધ્યાય-૧૬૨-સાત્યકિનો ધસારો 


II संजय उवाच II सोमदत्तं तु संप्रेक्ष्यं विधुन्वानं महाद्वनुः I सात्यकिः प्राहः यंतारं सोमदत्ताय मां वह II १ II

સંજય બોલ્યો-એ સમયે સોમદત્ત પોતાના મહાન ધનુષ્યને રણમાં ધુણાવી રહ્યો હતો તે જોઈને સાત્યકિ પોતાના સારથિને કહેવા લાગ્યો કે-'તું મને સોમદત્ત પાસે લઇ જા આજે મારા મહાબળવાન શત્રુને માર્યા વિના હું પાછો ફરીશ નહિ,એ મારો નિશ્ચય છે'

સાત્યકિના કહેવાથી તેના સારથિએ ઘોડાઓને સોમદત્ત તરફ હાંક્યા.સાત્યકિને પોતાની સામે આવતો જોઈને સોમદત્તે અનેક બાણોથી તેને ઢાંકી દીધો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યો.લોહીલુહાણ થયેલા સાત્યકિએ પણ સામે અનેક બાણો મૂકીને સોમદત્તને વીંધી નાખી તેને લોહીલુહાણ કરી નાખ્યો.કુરુ અને યદુવંશના તે બંને યોદ્ધાઓ વચ્ચેનું  યુદ્ધ અદભુત હતું.

બંને અરસપરસ એકબીજાના ધનુષ્યોને કાપી નાખતા હતા,અને પલકવારમાં જ બંને નવું ધનુષ્ય ઉઠાવીને એકબીજાને બાણોનો પ્રહાર કરીને ઢાંકી દેતા હતા ને એકબીજાને વીંધી નાખતા હતા.એટલામાં ભીમસેને આવીને સાત્યકિને સહાય કરવા સોમદત્તના પુત્રને રથમાં જ મારી નાખ્યો.તે જોઈને સોમદત્તે ગભરાયા વિના ભીમસેનને તીક્ષ્ણ બાણોથી માર માર્યો.હવે ભીમસેને એક ઘોર પરિઘ હાથમાં લઈને સોમદત્ત તરફ ફેંક્યું.પણ તે પરિઘને આવતું જોઈને સોમદત્તે તેના બે ટુકડા કરી નાખ્યા.તે પછી સાત્યકિએ ભલ્લ બાણોનો પ્રહાર કરીને સોમદત્તના ધનુષ્યને કાપી તેના હાથે પહેરવાનાં મોજાંને પણ ચીરી નાખ્યા.


વળી,સાત્યકિએ,તે સોમદત્તના ચારેય ઘોડાઓને ને સારથિને પ્રેતરાજની પાસે વિદાય કરી દીધા.ત્યાર બાદ,સાત્યકિએ એક ઘોર બાણ સીધું સોમદત્તની છાતી તરફ છોડ્યું,કે જે બાણના પ્રહારથી સોમદત્ત અત્યંત ઘાયલ થઇને રણભૂમિ પર ઢળી પડ્યો ને મરણને શરણ થયો.એ રીતે સોમદત્તને મરણ પામેલો જોઈને કૌરવ પક્ષના સર્વ મહારથીઓ મોટી બાણવૃષ્ટિ કરતા સાત્યકિ સામે ધસ્યા ને બાણો મૂકીને તેને છાઈ દેવા મંડ્યા.બીજી તરફ યુધિષ્ઠિર કેટલાએક પાંડવ યોદ્ધાઓ ને પ્રભદ્રકોની મોટી સેના લઈને દ્રોણચાર્યના સૈન્ય તરફ ધસ્યા ને જતાં વેંત જ તેમણે તે સૈન્યને નસાડી મૂક્યું.


પોતાના સૈન્યને  નાસતું જોઈને દ્રોણાચાર્ય વેગપૂર્વક યુધિષ્ઠિર સામે ધસ્યા,ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.બંનેએ પરસ્પર બાણોથી એકબીજાને વીંધ્યા.દ્રોણાચાર્યે યુધિષ્ઠિરના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે યુધિષ્ઠિરે તરત જ નવું ધનુષ્ય લઈને દ્રોણાચાર્ય,તેમના સારથી અને ઘોડાઓને વીંધી નાખ્યા.એ સમયે યુધિષ્ઠિરના બાણોથી દ્રોણાચાર્યને એટલી બધી વ્યથા થઇ હતી કે એક મુહૂર્ત જેટલા સમય સુધી તો તેમને રથની બેઠક પાર બેસી જવું પડ્યું હતું.પછી,તેમને ભાન આવ્યું ત્યારે ક્રોધમાં આવી યુધિષ્ઠિર સામે વાયવ્યાસ્ત્ર છોડ્યું,કે જેની સામે યુધિષ્ઠિરે તેજઅસ્ત્ર પ્રગટ કરીને તેને અટકાવી દીધું.વળી,યુધિષ્ઠિરે દ્રોણાચાર્યના લાંબા ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.ત્યારે દ્રોણે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,પણ યુધિષ્ઠિરે શીઘ્ર અનેક બાણો મૂકીને તે ધનુષ્યના પણ ટુકડે ટુકડા કરી દીધા.


તે વખતે વાસુદેવે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે યુધિષ્ઠિર,હું કહું છું તે સાંભળો.મારા મન પ્રમાણે તમે દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવું રહેવા દો કારણકે તે તમને કેદ કરવા માટે આ યુદ્ધમાં સતત પ્રયત્ન કરે છે,તેથી જ હું માનું છું કે તમારે તેની સામે યુદ્ધ કરવું યોગ્ય નથી,પણ એમનો વિનાશ કરવા જેને ઉત્પન્ન કરવામાં આવ્યો છે તે ધૃષ્ટદ્યુમ્ન જ તેમનો વધ કરશે માટે તમે દ્રોણનો ત્યાગ કરીને જ્યાં દુર્યોધન છે ત્યાં જાઓ.ખરું જોતાં રાજાએ રાજા સાથે જ યુદ્ધ કરવું જોઈએ,તમે ત્યાં જ ધસારો કરો'વાસુદેવનાં એ વચન સાંભળી,યુધિષ્ઠિર એક મુહૂર્ત વિચાર કરીને જ્યાં ભીમસેન ઉભો હતો ત્યાં પહોંચ્યા.(55)

અધ્યાય-162-સમાપ્ત