Page list

Aug 9, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1188

 

અધ્યાય-૧૯૦-દ્રોણાચાર્યને અશ્વત્થામાના વધની શંકા 


II संजय उवाच II पंचालानां ततो द्रोनोप्यकरोत्कदनं महत् I यथा कृद्वो रणे शक्रो दानवानां क्षयं पुरा II १ II

સંજય બોલ્યો-જેમ,પૂર્વે દેવાસુરના રણમાં ક્રોધાયમાન થયેલા ઇન્દ્રે દાનવોનો મહાન ક્ષય કરી નાખ્યો હતો,તેમ ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્યે પણ પાંચાલોનો મહાન ક્ષય કરી નાખ્યો.જયારે તેમનાં અસ્ત્રો સંગ્રામમાં પ્રગટ થવા લાગ્યાં ત્યારે પાંડવોમાં ભયનો પેસારો દાખલ થયો.યુદ્ધમાં પોતાના ઘોડાઓ,હાથીઓ તથા યોદ્ધાઓનો મોટો સંહાર થઇ રહેલો જોઈને પાંડવોની વિજયની આશા નિરાશામાં બદલાઈ ગઈ.ત્યારે બુદ્ધિમાન શ્રીકૃષ્ણ મનમાં વિચારવા લાગ્યા કે-

'જેમ શિશિર ઋતુમાં પ્રદીપ્ત થયેલો અગ્નિ ઘાસની ગંજીને બાળી મૂકે છે તેમ,પરમ અસ્ત્રોને જાણનારા દ્રોણચાર્ય શું અમને બધાને તો નહિ ખપાવી નાખે?કોઈ પણ યોદ્ધો આ દ્રોણાચાર્યની સામે જોવાને સમર્થ નથી તો તેમની સામે યુદ્ધ કરવા તો ક્યાંથી જ સમર્થ હોય?વળી આ ધર્મવેત્તા અર્જુન તો તેમની સામે કદી લડે તેમ નથી જ' આમ વિચારી પાંડવોના હિતમાં સદા તત્પર એવા શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,દ્રોણાચાર્યના હાથમાં જ્યાં સુધી ધનુષ્ય છે ત્યાં સુધી,ઇન્દ્ર સહીત દેવો પણ તેમને જીતી શકે તેમ નથી.બાકી જો તેમને સંગ્રામમાં શસ્ત્રહીન કરવામાં આવે તો તેમનો નાશ કોઈ પણ કરી શકે.માટે આ સમયે ધર્મને પડતો મૂકીને જય મેળવવાનો કોઈ માર્ગ ખોળી કાઢ.હું એમ ધારું છું કે-અશ્વત્થામાનું મરણ થતાં આ દ્રોણાચાર્ય કદી યુદ્ધ નહિ કરે.ને એ માટે આપણામાંનો કોઈ માણસ 'અશ્વત્થામા રણમાં મરી ગયો' એમ તે આચાર્યને કહે'


શ્રીકૃષ્ણની આ યુક્તિને અર્જુને પસંદ કરી નહિ.પણ બાકીના સર્વ યોદ્ધાઓને આ યુક્તિ ગમી ગઈ.યુધિષ્ઠિરે પણ તે વાત માંડ સ્વીકારી.પછી,ભીમસેને પોતાના સૈન્યમાં રહેલા,માલવ દેશના ઇન્દ્રવર્મા નામના એક રાજાના અતિ ઘોરકર્મી 'અશ્વત્થામા' નામના હાથીને ગદાના પ્રહારથી મારી નાખ્યો,ને દ્રોણાચાર્ય સામે જઈને 'અશ્વત્થામા હણાયો' એમ મોટેથી બૂમો પાડવા લાગ્યો.

તેનાં વચન સાંભળીને દ્રોણાચાર્યના મનમાં ઘણો ખેદ થયો ને તેમનાં ગાત્રો ઢીલાં પડી ગયાં પણ તેમને પોતાના પુત્રના વીર્યની બરાબર ખબર હતી એટલે તેમને ભીમસેનનાં વચન અસત્ય હોવાની શંકા થઇ.ને તેમની ધીરજ છૂટી ગઈ નહિ.ને ધૃષ્ટદ્યુમ્નને મારી નાખવાની ઈચ્છાથી તેમને એક હજાર બાણોની વૃષ્ટિ કરી.


સામે પાંચાલોના વીસહજાર શૂરા યોદ્ધાઓએ પણ સર્વ તરફથી દ્રોણાચાર્ય પર બાણોની વૃષ્ટિ કરી.બાણોના ઢગ હેઠળ દટાઈ ગયેલા એ દ્રોણાચાર્યને અમે જોઈ શકતા નહોતા.પણ દ્રોણાચાર્યે પોતાના સામે આવતાં સર્વ બાણોનો નાશ કરીને બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું,દ્રોણાચાર્યે જોતજોતામાં તો પાંચાલોના વીસહજાર યોદ્ધાઓ,છ હજાર સૃન્જય યોદ્ધાઓ,પાંચસો મત્સ્ય યોદ્ધાઓ ને દશ હજાર હાથીઓ ને તેટલાજ ઘોડાઓનો ઘાણ કાઢી નાખ્યો.એક ભલ્લ બાણથી તેમણે વસુદાનના મસ્તકને કાપી નાખ્યું.આમ,દ્રોણાચાર્ય ક્ષત્રિયોનો મૂળથી ઘાણ કાઢવા તૈયાર થયા હતા તે જોઈને હવ્યવાહ આદિ ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા.વિશ્વામિત્ર,જમદગ્નિ,ભરદ્વાજ,ગૌતમ,વશિષ્ઠ,કશ્યપ,સિક્ત,પૃશ્નિ,ગર્ગ,વાલખિલ્ય,મરિચીપ,ભૃગુ,અંગિરા અને સૂક્ષ્મ તથા બીજા કેટલાક મહર્ષિઓ દ્રોણાચાર્યને બ્રહ્મલોકમાં લઇ જવાની ઈચ્છાથી આવી ને તેમને કહેવા લાગ્યા કે-


'હે દ્રોણ,તેં અધર્મથી યુદ્ધ કર્યું છે,હવે તારા મરણનો સમય સમીપ જ છે માટે હવે તું રણમાં  આ યુદ્ધનો ત્યાગ કર,હવે ફરી આવું ક્રૂર કર્મ કરવું તને યોગ્ય નથી.તું વેદોને જાણે છે,સત્ય ધર્મમાં આસક્ત રહેનારો છે ને વિશેષે કરી તું બ્રાહ્મણ છે,માટે તને આવું ક્રૂર કર્મ કરવું શોભતું નથી,માટે હવે આયુધોને ફેંકીને શાશ્વત માર્ગમાં સ્થિર થા,મનુષ્યલોકમાં રહેવાનો તારો સમય હવે પૂરો થયો છે.તેં અસ્ત્રને નહિ જાણનારા સંખ્યાબંધ પુરુષો પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને બાળી નાખ્યા છે,આ કાર્ય ઉત્તમ નથી'


મહર્ષિઓનાં આવાં વચન સાંભળીને અને ભીમસેનનું વચન વિચારીને દ્રોણાચાર્યનું મન યુદ્ધ માટે ઉતરી ગયું.પુત્રના મરણનો તેમને સંદેહ રહ્યો હતો.તેમણે વિચાર્યું કે-યુધિષ્ઠિર કદી અસત્ય નહિ બોલે,એટલે તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું કે 'શું અશ્વત્થામા હણાયો છે?' ત્યારે ગોવિંદ મનમાં ગભરાયા અને તેમણે યુધિષ્ઠિરને કહ્યું કે-'આ દ્રોણાચાર્ય આજે અર્ધો દિવસ યુદ્ધ કરશે તો તમે નિશ્ચય માનજો કે તમારી સેના વિનાશ પામશે.આ હું સત્ય કહું છું.માટે આ સમયે થોડું અસત્ય બોલીને અમારી રક્ષા કરો.કારણકે કોઈકોઈ પ્રસંગે સત્યના કરતાં અસત્ય વચન પણ અતિઉત્તમ મનાય છે.પોતાના જીવિતને માટે અસત્ય બોલનાર મનુષ્યને પાપ લાગતું નથી' એ બંને  એમ વાત કરતા હતા ત્યારે ભીમસેને આવીને કહ્યું કે-


'મેં અશ્વત્થામા નામના હાથીને મારીને,મેં દ્રોણાચાર્યને કહ્યું કે-'અશ્વત્થામા રણમાં મરાયો છે માટે તમે નિવૃત્ત થાઓ' પણ મારાં  વાક્યોને તેમણે જરાયે માન્યાં નહિ.માટે ગોવિંદના વાક્યોને તમે માનો અને તમે દ્રોણાચાર્યને કહો કે 'અશ્વત્થામા હણાયો છે' તમે સત્યવચની છો-એમ દ્રોણાચાર્ય માને છે,એટલે તમે કહેશો તો તે યુદ્ધમાંથી નિવૃત્ત થઇ જશે.'

ભીમ અને શ્રીકૃષ્ણનાં વાક્યોથી પ્રેરાઈને યુધિષ્ઠિર ભાવિ ભાવને વશ થઈને તેવું અસત્ય બોલવા તૈયાર થયા.જો કે તે સમયે તે અસત્યના ભયમાં ડૂબી ગયા હતા ને જયની આસક્તિમાં ખૂંપી ગયા હતા.એથી તેમણે દ્રોણાચાર્ય સાંભળે તેમ મોટા સ્વરથી બોલ્યા કે -'અશ્વત્થામા હણાયો છે' પણ બહુ અસ્પષ્ટ રીતે બોલ્યા કે-'હાથી હણાયો છે' (નરો વા કુંજરો વા)


હે રાજન,ત્યારે યુધિષ્ઠિરનો રથ જે પ્રથમ,સત્યના પ્રભાવથી પૃથ્વીથી ચાર આંગળ ઊંચો રહીને ચાલતો હતો તે પૃત્વીનો સ્પર્શ કરી રહ્યો.યુધિષ્ઠિરના વચનથી દ્રોણાચાર્ય પુત્રના દુઃખને લીધે સંતાપ પામ્યા અને પોતાના જીવિતના માટે પણ તે નિરાશ થયા.

ઋષિઓના વાક્ય પરથી તે પોતે પોતાના આત્માને પાંડવોના અપરાધી માનવા લાગ્યા.તેમનું ચિત્ત અતિ ઉદાસ થયું ને તે એટલા બધા ઉદ્વિગ્ન થઇ ગયા કે ધૃષ્ટદ્યુમ્ન સામે પ્રથમની જેમ યુદ્ધ કરી શક્યા નહિ (59)

અધ્યાય-190-સમાપ્ત