અધ્યાય-૧૮૯-સંકુલ યુદ્ધ
II संजय उवाच II तस्मिंस्तथा वर्तमाने गजाश्वनरसंक्षये I दुःशासनो महाराज ध्रुष्टध्युम्नंयोधयत II १ II
સંજય બોલ્યો-જયારે હાથી,ઘોડા ને મનુષ્યોનો એવી રીતે સંહાર ચાલી રહ્યો હતો ત્યારે દુઃશાસન,ધૃષ્ટદ્યુમ્ન સામે લડી રહયો હતો.ધૃષ્ટદ્યુમ્ને બાણોથી દુઃશાસનના રથને ઢાંકી દીધો ને તેને અત્યંત પીડયો.પીડાથી દુઃશાસનને તેની સામે ઉભા રહેવાની શક્તિ રહી નહિ ને ત્યાંથી તે નાઠો.ધૃષ્ટદ્યુમ્ને આમ દુઃશાસનને નસાડયો ને પછી તે દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ચાલ્યો.નકુલ અને સહદેવ તેના પૃષ્ઠરક્ષક થઈને તેની સાથે જતા હતા.ત્યારે તેમની સામે હાર્દિકય વંશનો કૃતવર્મા અને તેના ત્રણ ભાઈઓ ચઢી આવ્યા ને તેને અટકાવવા લાગ્યા.ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.
કૃતવર્મા ને તેના ભાઈઓને નકુલ-સહદેવે અટકાવી દીધા,એટલે ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્ય સામે ધસી ગયો.તેને ધસતો જોઈને દુર્યોધન બાણો ફેંકતો ધૃષ્ટદ્યુમ્નના માર્ગ વચ્ચે ધસી આવ્યો,પણ તે વખતે તરત જ સાત્યકિ ત્યાં તેની સામે ચડી આવ્યો.તેને જોઈને દુર્યોધન પોતાના તે પ્રિય મિત્ર સાત્યકિને કહેવા લાગ્યો કે-'હે મિત્ર,ક્રોધ,લોભ,મોહ,અમર્ષ,ક્ષાત્રધર્મ તથા ઔરસબળને ધિક્કાર હજો.એથી જ હું તારી સાથે યુદ્ધ કરવા ખડો થયો છું.તું મને પ્રાણો કરતાં પણ પ્રિય છે.આપણા ભૂતકાળમાં જે જે બાળચરિત્રો થયાં છે,તે મને સાંભરી આવે છે,પણ આજે તે સર્વ બાળચરિત્રો ખરી ગયાં છે.ક્રોધ ને લોભના ફળરૂપે આજે આપણી વચ્ચે યુદ્ધ ઉપસ્થિત થયું છે' ત્યારે સાત્યકિએ કહ્યું કે-'હે રાજપુત્ર,આ કંઈ રાજસભા નથી કે આચાર્યનું ઘર નથી કે ત્યાં આપણે એકઠા મળીને તે સમયના જેવી રમતગમતો કરી શકીએ'
દુર્યોધન બોલ્યો-'હે સાત્યકિ,વિચાર કરતાં જણાય છે કે કાળની ગતિ અકળ છે.અરેરે,ધન મેળવીને અથવા ધન મેળવવાની ઈચ્છા કરી એ આપણે શું કરવાનું છે?કેમ કે અહીં આપણે કેવળ ધનના લોભથી જ આપસમાં લડી રહ્યા છીએ'
સાત્યકિ બોલ્યો-'ક્ષત્રિયોનો આચાર સદા આવો જ હોય છે.પ્રસંગ આવતાં તે ગુરુઓ સામે પણ લડે છે.માટે જો હું તને પ્રિય હોઉં તો મને મારી નાખ.તારે લીધે હું પુણ્યવંતોના દિવ્ય લોકમાં જઈશ.મિત્રો પર આવનારા મહાન સંકટોને જોવાની મારી ઈચ્છા નથી.માટે તારામાં જેટલી શક્તિ હોય તે તુરત મારા પર દેખાડી દે'
પછી બંને વચ્ચે દુર્મદ યુદ્ધ શરુ થયું.બંને અરસપરસ બાણોની વર્ષા કરવા લાગ્યા ને એકબીજાના બાણોને કાપવા લાગ્યા.તેવામાં સાત્યકિએ દુર્યોધનના ધનુષ્યને કાપી નાખીને તેને અત્યંત વીંધી નાખ્યો.સાત્યકિના બાણોથી વીંધાયેલો,વ્યથિત ને પીડિત થયેલો દુર્યોધન ત્યાંથી થોડીવાર ખસી ગયો ને થોડી વિશ્રાંતિ લઈને ફરી સાત્યકિ સામે ચઢી આવ્યો ને તેના રથ સામે સંખ્યાબંધ બાણો ફેંકવા લાગ્યો.હે રાજન,એ રીતે તેમની વચ્ચે સંકુલ યુદ્ધ થઇ રહ્યું હતું.સાત્યકિને દુર્યોધન કરતાં ચડિયાતો જોઈને કર્ણ ઉતાવળો દુર્યોધનની રક્ષા કરવા ત્યાં ચઢી આવ્યો,પણ બીજી તરફ ઉભેલો ભીમસેન તેને સાંખી શક્યો નહિ.
ભીમસેને કર્ણ સામે આવી તીક્ષ્ણ બાણોની વર્ષા કરી,પણ કર્ણે હસતાં હસતાં તેના બાણોનો વિનાશ કરીને તેના ધનુષ્યને કાપીને તેના સારથિને મારી નાખ્યો.ક્રોધિત થયેલા ભીમસેને મોટી ગદા ફેંકીને કર્ણના ધ્વજ,ધનુષ્ય ને સારથિને રોળી નાખ્યા,ને તેના રથનું એક પૈડું ભાંગી નાખ્યું.તમ છતાં કર્ણ જરા પણ ગભરાયા વિના ભીમસેન સામે લડતો રહ્યો.આ પ્રમાણે તેમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે યુધિષ્ઠિરે,મત્સ્ય યોદ્ધાઓને દ્રોણાચાર્ય સામે જવાની આજ્ઞા કરી.તેમની આજ્ઞાથી તે યોદ્ધાઓ દ્રોણાચાર્ય સામે ધસી ગયા.ને પંચાલ યોદ્ધાઓ સાથે મળીને દ્રોણાચાર્યને ઘેરી વળ્યા.તે વખતે નકુલ,સહદેવે અર્જુનને મોટી બૂમો મારીને કહ્યું કે-'હે અર્જુન,તું ધસારો કર ને અહીં ઉભેલા કૌરવોને દ્રોણાચાર્ય પાસેથી દૂર હાંકી કાઢ,એટલે રક્ષકો રહિત થયેલા દ્રોણાચાર્યને પાંચાલો નિર્વિઘ્ન મારી શકે' એ સાંભળી અર્જુને એકાએક કૌરવો સામે ધસારો કર્યો (66)
અધ્યાય-189-સમાપ્ત
