Mar 19, 2020

ભાગવત રહસ્ય -૨૧૯

નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુના દોષનું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-

તારાં માત-પિતાને પ્રભુ માનજે,તારે આંગણે કોઈ ભિખારી આવે તો –તેને પ્રભુ સમાન માનજે.મારી અનેક ભૂલો તને દેખાણી હશે-પણ મારો ભૂલોનું,મારા દોષનું કે મારા પાપનું તારે અનુકરણ કરવાનું નથી.મારા જે સદગુણો હોય તેનું જ અનુકરણ –તારે કરવું, બીજાનું નહિ.

ગુરુ જે કરે તે કરવાનું નથી,ગુરુ જે આજ્ઞા કરે તે કરવાનું છે.
રામજી આંખ ઉંચી કરીને કોઈ સ્ત્રીને જોતાં નથી,રામજીનો સંયમ અલૌકિક છે,
જગતના સ્ત્રી-પુરુષોને કામભાવથી જુએ તે જ રાવણ છે. જે જગતને ભગવદ ભાવથી જુએ તે રામજીને વહાલો લાગે છે. સીતાજી પણ આંખ ઉંચી કરી ને પર-પુરુષ ને જોતાં નહોતાં.શાસ્ત્રની આ મર્યાદા છે.
આવી મર્યાદા પળાય- તો જીવન સુધરે. રામજી અને સીતાજી –આ મર્યાદાનું પાલન કરે છે.

વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં કથા છે-કે-હનુમાનજી સીતાજીને મળવા અશોકવનમાં આવ્યા છે-કહે છે-કે –મા હું જાઉં છું.સીતાજી કહે છે કે- તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી આ રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.મા ની આંખમાં આંસુ આવ્યા છે. હનુમાનજીનું હૃદય ભરાણું છે.
હનુમાનજી કહે છે-કે-તમે આજ્ઞા આપો તો આજે હું તમને રામજી પાસે લઇ જાઉં,તમે મારા ખભે બિરાજો,
હું રામદૂત છું,મને કોઈ મારી નહિ શકે. તમારો સેવક તમને રામદર્શન કરાવશે.

સીતાજીએ ત્યારે ના પાડી છે,કહે છે-કે- તું મારો દીકરો છે,બાલબ્રહ્મચારી છે,પવિત્ર છે.
પણ તું પુરુષ છે-અને હું સ્ત્રી છું.મારા માટે પરપુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.પરપુરુષનો સ્પર્શ કરવાથી સ્ત્રીનાપાતિવ્રત્યનો ભંગ થાય છે, જગતને સ્ત્રી-ધર્મનો આદર્શ બતાવવા મારો જન્મ છે.
રઘુનાથજી મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને અડકતા નથી, ને મેં રામજી સિવાય બીજા કોઈનો ચરણ સ્પર્શ કર્યો નથી. માટે જો હું તને સ્પર્શ કરું તો ધર્મની મર્યાદા તૂટે.

સ્ત્રી પતિ સિવાય કોઈ સાધુ-સંતનો પણ ચરણ સ્પર્શ ના કરે,
સાધુ-સંતને દુરથી વંદન કરે –આ શાસ્ત્રની મર્યાદા છે.
રામ સરળ છે-પણ સીતાજીની સરળતા પણ અલૌકિક છે.
રામજી જેવી સરળતા જગતના કોઈ ઇતિહાસમાં જોવા નહિ મળે. રામજીને કપટ કરતાં આવડતું જ નથી.
તેમને કોઈનો દોષ દેખાતો જ નથી.

જયારે લાલો તો ઉભો-તો પણ વાંકો. તેથી તેને બાંકે-બિહારી કહે છે.
શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને વાંકા સાથે વાંકા છે.
સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા છે,પોતે તેમના ચરણ પાસે બેઠા છે, અને એ જ શ્રીકૃષ્ણ –
મહાભારતના યુદ્ધ વખતે વાંકા પણ થયા છે.દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે,છતાં તેને મારવાનું કહ્યું છે.
દ્રોણાચાર્ય સાધારણ નથી,ચાર વેદ અને છ શાસ્ત્રો ભણેલા છે, પણ બહુ ભણેલા તેથી શું થયું ?
તેઓ ભાન ભૂલેલા છે,તેઓ ધર્મ પાળતા નથી,અધર્મી દુર્યોધનને મદદ કરે છે.
શ્રીકૃષ્ણ દ્રોણાચાર્ય જોડે સરળ નથી.ત્યારે રામજી “સરળ સ્વભાવ સાહેબ રઘુરાય”-
કોઈએ થોડી સેવા કરી હોય તો તે બહુ યાદ રાખે છે.જીવ નો અપરાધ તે જોતા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE