અધ્યાય-૧૮૮-મોટામોટા યોદ્ધાઓની ભેટ
II संजय उवाच II ततो दुःशासन क्रुद्धः सहदेवमुपाद्रवत I रथवेगेन तीव्रेण कंपयन्निव मेदिनीम II १ II
સંજય બોલ્યો-તે પછી,ક્રોધે ભરાયેલો દુઃશાસન તીવ્ર વેગથી પૃથ્વીને કંપાવતો સહદેવના રથ સામે ધસ્યો,કે તરત જ સહદેવે એક ભલ્લ બાણ મૂકીને તેના સારથિના મસ્તકને છેડી નાખ્યું.એ વેળા સહદેવે એ કાર્ય એટલી બધી ઝડપથી કર્યું હતું કે દુઃશાસનને પણ પોતાના સારથિના શિરચ્છેદની ખબર પડી નહિ.પણ છૂટી લગામવાળા ઘોડાઓ પોતાને ફાવે તેમ જવા લાગ્યા ત્યારે દુઃશાસને પોતે જ લગામ હાથમાં લીધી ને સહદેવ સામે યુદ્ધ કરવા લાગ્યો.ઘોડાઓની લગામ ને ધનુષ્ય એ બંનેને સંભાળતા તે દુઃશાસનને,સમયનો લાભ લઈને સહદેવ સંખ્યાબંધ બાણો મૂકીને તેને ઢાંકી દઈ રહ્યો હતો.
ત્યારે દુઃશાસનનું રક્ષણ કરવાની ઈચ્છાથી કર્ણ ત્યાં આવી પહોંચ્યો,પણ પેલી તરફથી ભીમસેન પણ ત્યાં આવી પહોંચ્યો,ને કર્ણની છાતી ને બે બાહુઓમાં પ્રહાર કરીને તેણે ભયંકર ગર્જના કરી.ભીમના મારથી કર્ણ તેની સામે ફર્યો ને તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.તે બંને યુદ્ધકુશળ યોદ્ધાઓને જયારે બાણોની ખોટ પડી ત્યારે તેમનું ગદાયુદ્ધ શરુ થયું.ભીમસેને ગદાનો પ્રહાર કરીને કર્ણના રથના ચુરા કર્યા ત્યારે કર્ણે સામી ગદા ફેંકીને ભીમના હાથમાં રહેલી બીજી ગદાને તોડી પડી.ભીમસેને હવે એક મોટી ગદા કર્ણ સામે ફેંકી કે જેને કર્ણે બાણોથી ભીમસેન તરફ પાછી ધકેલી,કે જેના પ્રહારથી ભીમના રથનો ધ્વજ તૂટી પડ્યો ને સારથિ મૂર્છાથી બેભાન થઇ ગયો.ભીમે હવે આઠ બાણોથી કર્ણ પર પ્રહાર કર્યો ને કર્ણના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.સામે કર્ણે નવું ધનુષ્ય હાથમાં લઈને રથની ધરી જેવાં બાણો ફેંકીને ભીમના ઘોડાઓને ને બંને પૃષ્ઠ રક્ષકોને મારી નાખ્યા.રથવિહીન થયેલો ભીમ નકુલના રથ પર ચડી ગયો.
બીજી બાજુ,દ્રોણાચાર્ય અને અર્જુન અદભુત યુદ્ધ કરી રહ્યા હતા.બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા.તે વેળા સર્વ યોદ્ધાઓ યુદ્ધ કરતા અટકીને પૂર્વે કદી નહિ જોયેલું ગુરુ-શિષ્યનું યુદ્ધ નિહાળવા લાગ્યા.બંને એકબીજાને ડાબી બાજુ લાવવા મથતા હતા.જેમ,કોઈ એક માંસના ટુકડા માટે આકાશમાં બે બાજ પક્ષીઓનું યુદ્ધ હથય તેમ તે ગુરુશિષ્યનું મહાયુદ્ધ થઇ રહ્યું હતું.આચાર્ય જે જે કર્મ કરી રહ્યા હતા તેનો અર્જુન તત્કાલ વિનાશ કરી નાખતો હતો.ત્યારે દ્રોણાચાર્યે દિવ્ય અસ્ત્રો પ્રગટ કરવા માંડ્યાં.તેમના છોડેલા ઐંદ્ર,પાશુપત,ત્વાષ્ટ,વાયવ્ય અને વારુણ જેવા અસ્ત્રોની સામે તેવા જ અસ્ત્રો મૂકીને અર્જુન તે દિવ્ય અસ્ત્રોનો નાશ કરતો રહ્યો.પોતાના અસ્ત્રોનો નાશ થતો જોઈને દ્રોણાચાર્ય મનમાં જ અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા ને પોતાના તે શિષ્ય વડે પોતાને પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યા.
તે વેળા હજારો દેવો,ગંધર્વો આદિ તે ગુરુ શિષ્યના યુદ્ધને જોવા આકાશમાં આવીને ઉભા.ને તે બંનેની સ્તુતિ કરવા લાગ્યા.તે બંનેનાં દિવ્ય અસ્ત્રો જયારે સામસામા છૂટી રહ્યા હતા ત્યારે એકઠા મળેલા સિદ્ધિ ને ઋષિઓ એક અવાજે કહેતા હતા કે-'ખરેખર,આ યુદ્ધને માનુષ,આસુર,રાક્ષસી,દૈવી કે ગાંધર્વી કહી શકાય તેમ નથી પણ આ યુદ્ધ તો બ્રાહ્મયુદ્ધ જ ગણાય,આવું આશ્ચર્યકારક યુદ્ધ આપણે પહેલાં કદી જોયું નથી કે સાંભળ્યું નથી.જુઓને,થોડીવારમાં દ્રોણાચાર્ય,અર્જુન કરતાં વધી જાય છે તો થોડીવારમાં અર્જુન,દ્રોણાચાર્ય કરતાં વધી જાય છે,આપણે પોતે જો બંનેમાં અંતર જોઈ શકતા નથી તો સામાન્ય વર્ગનો પ્રાણી તો આમાં ક્યાંથી અંતર જોઈ શકે?
જો કદાચ રુદ્રદેવ,પોતાનાં બે રૂપો કરી આમ યુદ્ધ કરે તો જ આ યુદ્ધની ઉપમા મળી શકે તેમ છે.આચાર્ય દ્રોણમાં એકલું જ્ઞાન જ રહ્યું છે તો અર્જુનમાં જ્ઞાન અને યોગ બંને રહેલાં છે.વળી,આચાર્યની અંદર એકલું શૌર્ય જ રહેલું છે તો અર્જુનમાં શૌર્ય અને બળ બંને રહેલાં છે.આ બંને ધનુર્ધરોને કોઈ મારી શકે તેમ નથી,પણ તેઓ ધારે તો જગતનો સંહાર કરી શકે તેમ છે.'
તેવામાં દ્રોણાચાર્યે બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું,ત્યારે સર્વ જગ્યાએ સંતાપ થઇ રહ્યો,પૃથ્વી કંપી ઉઠી,તીક્ષ્ણ વાયુ વાવા લાગ્યો.પણ અર્જુને સામે ગભરાયા વિના પોતે પણ બ્રહ્માસ્ત્ર પ્રગટ કરીને દ્રોણાચાર્યના અસ્ત્રનો નાશ કર્યો ને સર્વ શાંત કર્યું.
આ પ્રમાણે જયારે તે બંનેના યુદ્ધનો કોઈ રીતે પાર આવ્યો નહિ ત્યારે ફરી સંકુલ યુદ્ધનો આરંભ થયો.તેથી એ યુદ્ધ એટલું બધું વ્યાકુળ થઇ ગયું કે ત્યાં કંઈ પણ જોવામાં આવ્યું નહિ.આકાશ બાણ જાળોથી ભરાઈ ગયું હતું.(54)
અધ્યાય-188-સમાપ્ત
