Aug 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1185

અધ્યાય-૧૮૭-નકુલનું યુદ્ધ 


II संजय उवाच II ते तथैव महाराज दंशिना रणमूर्धनि I संध्यागतं सहम्याशुमादित्यमुपतम्यिरै II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,ત્યારે તે સર્વ યોદ્ધાઓ કવચો સજીને રણને મોખરે ઉભા રહ્યા અને ઉદય પામેલા સૂર્યનું ઉપસ્થાન કરવા લાગ્યા.ને પછી પુનઃ યુદ્ધનો પ્રારંભ થયો.સૂર્યોદયની પહેલાં રાત્રીના સમયે જે યોદ્ધાઓ સામસામે ભેટ્યા હતા તે સૂર્યોદયની બાદ પાછા સામસામા આવીને યુદ્ધ કરવા લાગ્યા હતા.તે બધાએ રાત્રિમાં સારી રીતે યુદ્ધ કર્યું હતું,તેથી તેઓ થાક્યા હતા ને ક્ષુધા-તૃષાથી વ્યાપ્ત થઈને બેભાન જેવા થયેલા હતા.છતાં,ત્યાં ભેરી,મૃદંગ,શંખ,ગર્જના કરતા હાથીઓ,ધનુષ્યોના ટંકારનો ને સિંહ ગર્જનાઓનો શબ્દ આકાશમાં અથડાયો હતો.

તે સમયે ત્યાં અતિ કરુણાજનક દેખાવ થઇ રહ્યો હતો.સૈન્યો અનેક રીતે સેળભેળ થઇ ગયાં હતા ને યોદ્ધાઓ પોતાના જ પક્ષના યોદ્ધાઓનો નાશ કરી રહ્યા હતા.ભયકંર કાપાકાપી થઇ રહી હતી ને જોતજોતામાં તો લોહીની નદીઓ વહેવા લાગી.

આખુંયે રણક્ષેત્ર માંસાહારી ભૂતગણોથી ને મરણ પામેલા યોદ્ધાઓ,ઘોડા હાથીઓના મૃત શરીરો ને તૂટેલા રથોથી ભરાઈ ગઈ હતી.તેથી ત્યાં રથોને ચાલવાનો માર્ગ પણ રહ્યો ન હતો.રથોનાં પૈડાં માંસ  અને રુધિરના જામેલા કીચડમાં ઘૂસી જતાં હતાં ને થાકેલા ઘોડાઓ ઘણું જોશ કરીને માંડમાંડ રથોને ખેંચી જતા હતા.


હે રાજન,તે સમયે દ્રોણાચાર્ય ને અર્જુન સિવાય સર્વ સૈન્ય વિહવળ,ભ્રમિત,ભયભીત તથા આતુર થઇ ગયું હતું.કેવળ તે બંને જણા જ દુઃખ અને ભયનું વારણ કરનાર હતા,છતાં સૈન્યો ગભરાટમાં આવીને પોતે શું કરી રહ્યા છે તે જ તેમને ખબર નહોતી ને તે સમય કાળના ક્રીડાસ્થળ સમાન ને ભીરુઓના ભયને વધારનાર હતો.આમ પૃથ્વીના રાજવંશીઓનો તે મહાક્ષય મંડાયો હતો ત્યારે અમે કર્ણ,દ્રોણાચાર્ય,ભીમ,યુધિષ્ઠિર,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,સુધાસન,અશ્વત્થામા,દુર્યોધન,શકુનિ,કૃપાચાર્ય,શલ્ય ને કૃતવર્મા આદિ યોદ્ધાઓને અમે જોઈ જોઈ શકતા નહોતા કેમ કે સૈન્યે ઉડાડેલી ધૂળથી સર્વ કંઈ ઢંકાઈ ગયું હતું.


તે રજ શાંત પડી ત્યારે અમે જોયું કે દુર્યોધન અને દુઃશાસન નકુલ અને સહદેવ સામે લડતા હતા.કર્ણ ભીમસેન સામે,ને દ્રોણાચાર્ય અર્જુન સામે લડતા હતા.તેમના એ ઘોર તથા મહા આશ્ચર્યજનક અમાનુષી દ્વંદ્વ યુદ્ધને સર્વ યોદ્ધાઓ ચોતરફથી જોઈ રહ્યા હતા.હે રાજન,જ્યાં સુધી કાળ ન આવ્યો હોય ત્યાં સુધી કોઈનાં શરીર પડતાં નથી,એ જ કારણથી તે સર્વ મહારથીઓ એક સાથે કપાઈ મરતા ન હતા.રણભૂમિનું દૃશ્ય ખરેખર ભયજનક ને બીભત્સ દેખાતું હતું.તે સમયે દુર્યોધન અને નકુલનું સામસામું યુદ્ધ થતું હતું.નકુલે સેંકડો બાણો છોડીને તમારા પુત્રને ડાબી તરફ લાવી મુક્યો.તે દુર્યોધનથી સહન થયું નહિ ને સામે નકુલને તે ડાબી તરફ મુકવાને શીઘ્ર ઉપાયો કરવા લાગ્યો.


પણ નકુલ,દુર્યોધનને સામે બાણો મૂકીને સર્વ તરફથી અટકાવવા લાગ્યો ને તેને પીડવા લાગ્યો.થોડા સમયમાં તો નકુલે દુર્યોધનને રણમાંથી હાંકી જ કાઢ્યો.તે જોઈ સર્વ નકુલનાં વખાણ કરવા લાગ્યા.પોતાના દુઃખોનું સ્મરણ કરીને નકુલે દુર્યોધનને કહ્યું કે-'તું ક્યાં નાસે છે?ઉભો રહે,તારા દુષ્ટ વિચારોને પરિણામે જ આ સમય આવી પહોંચ્યો છે'(55)

અધ્યાય-187-સમાપ્ત


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE