Aug 5, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1184

 

અધ્યાય-૧૮૬-પંદરમો દિવસ-વિરાટ,દ્રુપદ વગેરેનું મરણ 


II संजय उवाच II त्रिभागमात्रशेषायां रात्र्यां युध्धमववर्तत I कुरूणां पांडवानां संह्रष्टानां विशापते II १ II

સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,જયારે માત્ર ત્રણ મુહૂર્ત જેટલી રાત્રિ બાકી રહી હતી,ત્યારે પુનઃ હર્ષમાં આવેલા કૌરવો ને પાંડવોનું યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,સૂર્ય ઉદય પામ્યો ત્યારે સર્વ કૌરવ-પાંડવ,તુરત પોતાના વાહનોનો ત્યાગ કરીને સૂર્યની સામે ઉભા રહી,હાથ જોડીને સંધ્યોપાસનપૂર્વક જપ કરવા લાગ્યા.તે પ્રાતઃકર્મની સમાપ્તિ થઇ એટલે દ્રોણાચાર્ય સૈન્યને બે ભાગમાં વહેંચી ને પોતે સોમક,પાંડવ અને પાંચાલો સામે ધસ્યા.કૌરવ સેનાને એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલી જોઈને શ્રીકૃષ્ણના કહેવાથી  અર્જુન દ્રોણાચાર્યને ડાબી તરફ કરી જમણી તરફ ગયો.એ વેળા શ્રીકૃષ્ણના અભિપ્રાયને સમજીને ભીમસેન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,ક્ષત્રિયાણી જે માટે પુત્રને ઉત્પન્ન કરે છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.આ સમયે પરાક્રમ કરીને તું આ શત્રુઓના સૈન્યને ભેદી નાખીને તેમને ડાબી તરફ કરી નાખ'

શ્રીકૃષ્ણ અને ભીમસેનની આવી પ્રેરણાથી અર્જુન દ્રોણાચાર્યનું ઉલ્લંઘન કરીને ચારે બાજુથી શત્રુઓને ઘેરી વળ્યો ને મોટો સંહાર કરવા લાગ્યો.તેને કોઈ કૌરવ પક્ષના ક્ષત્રિયો અટકાવી શક્યા નહિ.હવે દુર્યોધન,કર્ણ અને શકુનિ આવીને અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોને તુચ્છ ગણી નાખીને અર્જુન પોતાના અસ્ત્રો વડે તેમના અસ્ત્રોનું વારણ કરવા લાગ્યો.ને તીક્ષ્ણ બાણો છોડીને સર્વને વીંધવા લાગ્યો.જોતજોતામાં તો ત્યાં ભયંકર યુદ્ધ થઇ રહ્યું.બાણો ને ધૂળની વૃષ્ટિથી ત્યાં ભયંકર અંધકાર છવાઈ ગયો ને ઘોર શબ્દ સંભળાતો હતો.મૃતદેહોથી રણભૂમિ ભયંકર જણાતી હતી.


તે પછી,દ્રોણાચાર્ય તે સંગ્રામમાં થઈને ઉત્તર દિશા તરફ ધસી ગયા.તેમને મોખરામાંથી દૂર ખસી જતા જોઈને સૈન્યોમાં ધ્રુજારી થઇ.પાંડવ સૈન્ય તરફ ધસી આવતા દ્રોણાચાર્યને જોઈને વિરાટરાજ ને દ્રુપદરાજ તેમની સામે ધસ્યા.વળી દ્રુપદરાજના ત્રણ પૌત્રો પણ દ્રોણાચાર્ય સામે ધસ્યા.પણ દ્રોણાચાર્યે તરત જ ત્રણ તીક્ષ્ણ બાણો મૂકીને તેમના પ્રાણોને હરી લીધા.પછી,દ્રોણાચાર્યે ચેદિ,કૈકેય,સૃન્જય,મત્સ્ય આદિ સમગ્ર મહારથીઓનો યુદ્ધમાં પરાજય કર્યો, ત્યારે દ્રુપદરાજ ને વિરાટરાજ તેમની સામે આવીને બાણોની વૃષ્ટિ કરી.પણ દ્રોણાચાર્યે તે બાણવૃષ્ટિનો નાશ કરી સામે તેમને બાણોથી છાઈ દીધા.ને તેમનાં ધનુષ્ય કાપી નાખ્યાં.

ત્યારે વિરાટરાજે સામે દશ બાણો ને દશ તોમરો ફેંક્યાં ને દ્રુપદરાજે એક લોખંડી શક્તિ ફેંકી.કે જે સર્વનો દ્રોણાચાર્યે નાશ કરી નાખ્યો ને બે ભલ્લ બાણો છોડીને દ્રુપદરાજ અને વિરાટરાજને મૃત્યુ પાસે વિદાય કરી દીધા.


દ્રોણાચાર્યના આ ઘાતકી કર્મને જોઈને ધૃષ્ટદ્યુમ્નને ઘણું દુઃખ થયું ને તેને રૂંવે રૂંવે ક્રોધ વ્યાપી ગયો.તેણે મહારથીઓના મધ્યમાં શપથ લીધા કે-'આજના યુદ્ધમાં દ્રોણાચાર્ય જો મારા હાથમાંથી જીવતા જાય તો દ્રુપદરાજના કુળમાં જન્મીને મેળવેલા ક્ષાત્રભાવથી અને અગ્નિથી જન્મીને પ્રાપ્ત કરેલા મારા બ્રાહ્મણ ભાવથી હું ભ્રષ્ટ થાઉં' આમ પ્રતિજ્ઞા કરીને તે સૈન્ય સાથે દ્રોણાચાર્ય તરફ આવી પહોંચ્યો.ત્યારે દુર્યોધન,કર્ણ,શકુનિ-આદિ દ્રોણાચાર્યનું રક્ષણ કરી રહ્યા હતા.તે વખતે પાંચાલ યોદ્ધાઓ યત્ન કરવા છતાં દ્રોણાચાર્ય સામે જોઈ પણ શકતા નહોતા.ત્યારે ભીમસેને ઉગ્ર વાણીથી ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-


'દ્રુપદરાજના કુળમાં જન્મેલો અને સર્વ અસ્ત્રોમાં અતિશય કુશળ તારા સરખો બીજો કયો પુરુષ આમ પોતાની સામે ઉભેલા શત્રુને જોઈ રહે?પોતાના પિતાનો,પુત્રોનો નાશ,તારા સરખો બીજો કયો ક્ષત્રિય પોતાના શત્રુને સહન કરે?વળી,તેં શપથ પણ લીધા છે.તો હવે શત્રુને ક્યાં સુધી આગળ વધ્યે જવા દેવો છે?આ દ્રોણાચાર્ય ક્ષત્રિયોને બાળી રહ્યો છે.ને પાંડવ સૈન્યનો વિનાશ ન કરી નાખે તે માટે હું જ હવે દ્રોણાચાર્યની સામે જાઉં છું' 


આમ કહી તે દ્રોણાચાર્યના સૈન્યમાં દાખલ થયો ને બાણો છોડીને તમારી સેનાને નસાડી મૂકી.ધૃષ્ટદ્યુમ્ન પણ તમારી સેનામાં પેસી દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા જઈ પહોંચ્યો એટલે તુરત જ મહાતુમુલ યુદ્ધ થવા લાગ્યું.મનુષ્યોનાં નિર્જીવ શરીરોથી યુદ્ધભૂમિ ભરાઈ ગઈ.આ રીતે અતિદારુણ યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે રાત્રિ અને દિવસની સંધિમાં આવેલો સૂર્ય પુરેપુરો ઉગી નીકળ્યો.(60)

અધ્યાય-186-સમાપ્ત