Aug 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1183

 

અધ્યાય-૧૮૫-દ્રોણચાર્ય અને દુર્યોધનની વાતચીત 


 II संजय उवाच II ततो दुर्योधनो द्रोणमभिगम्याब्रविदिदम I अमर्पवशमापन्नो जनयन हर्षतेजसी II १ II

સંજય બોલ્યો-'ત્યારે ક્રોધવશ થયેલો દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો ને તેમના હર્ષ-તેજને ઉત્પન્ન કરતો બોલ્યો કે-'હે આચાર્ય,સંગ્રામમાં વિશ્રામ લેતા શત્રુઓને હવે તમારે સહન કરવા ન જોઈએ.તેઓના મન અને તન થાક્યા છે અને ખાસ કરીને અત્યારે તે લાગમાં આવ્યા છે.આજ દિવસ સુધી અમે જે જે સહન કર્યું છે તે તમને પ્રિય થઇ પડે તેવી ઈચ્છાથી જ,પણ હવે અમારાથી સહન થતું નથી.પાંડવો જોકે બળવાન છે પણ તેઓ આ સમયે વિશ્રાંતિ લીધા છતાં સર્વથા તેજ ને બળથી હીન થયા છે.તમે એમનું વારંવાર રક્ષણ કરો છે તેથી જ તે આગળ વધ્યે જાય છે.તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રો છે તેની સામે પાંડવો ને બીજા ધનુર્ધરો પણ યુદ્ધમાં તમારી તુલના કરી શકે તેમ નથી.તમે જો ધારો તો તમારા દિવ્ય અસ્ત્રોથી દેવો,દૈત્યો ને ગંધર્વો સહીત સર્વનો સંહાર કરી શકો તેમ છે તેમાં સંશય નથી.આવા તમે એ પાંડવોને સહન કરી રહ્યા છો તેમાં કારણ તરીકે તો તેમના પ્રત્યે તમારો શિષ્યો તરીકેનો પ્રેમ અથવા અમારી મંદભાગ્યતા જ હોઈ શકે'

એ પ્રમાણે કહીને દુર્યોધને દ્રોણાચાર્યને હર્ષ ઉપજાવ્યો તથા કોપાવ્યા પણ ખરા.ત્યારે દ્રોણાચાર્યે ક્રોધપૂર્વક દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,હવે હું વૃદ્ધ થયો છું છતાં મારી શક્તિ મુજબ રણમાં ઘટતું કર્યે જાઉં છું.તો પણ હજી વિજયની લાલસા રાખી,મારે એક ક્ષુદ્ર કાર્ય કરવાનું જ બાકી રહ્યું છે ને તે એ છે કે મારા અસ્ત્રોથી સર્વ લોકોનો સંહાર કરી નાખવો.અરે,જે શુભ કે અશુભ કાર્યને તું મારે માટે કર્તવ્ય માને,તો તે કાર્યને હું તારા કહેવાથી કરીશ,અન્યથા તેવું કાર્ય હું ન જ કરું.હે રાજન,આજે હું આ ધનુષ્ય હાથમાં લઈને તને સત્ય કહું છું કે-યુદ્ધમાં સર્વ પાંચાલોનો સંહાર કરીને જ હું આ કવચ ઉતારીશ.


હે કૌરવ,તું અર્જુનને રણમાં થાકી ગયેલો માને છે પણ તેનું વીર્ય હું યથાર્થ કહું છું તે સાંભળ.દેવો,દાનવો,ગંધર્વો કે યક્ષો પણ રણભૂમિમાં કોપેલ અર્જુનને જીતવાનો ઉત્સાહ કરી શકતા નથી,ખાંડવ વનમાં અર્જુને ઇન્દ્રને વાર્યો હતો.યક્ષો,સર્પો,દૈત્યો આદિનો વિનાશ તેણે કર્યો છે તે તારા જાણવામાં હશે જ.વળી,ઘોષયાત્રામાં ચિત્રસેન આદિ ગંધર્વોનો પરાજય કરીને તમને છોડાવ્યા હતા.નિવાત કવચ કે જેમને દેવો જીતી શકતા નહોતા તેમને અર્જુને સંગ્રામમાં જીત્યા છે,જેણે હિરણ્યપુરમાં વસતા હજારો દાનવોનો પણ પરાજય કર્યો છે તે અર્જુનને મનુષ્યો કેમ જીતી શકે? અત્યારે પણ આપણે સર્વ યુદ્ધ કરી રહ્યા છીએ ત્યારે આ તારા સૈન્યને તેણે મારી નાખ્યું છે તે  તું જોઈ રહ્યો છે'


સંજય બોલ્યો-હે રાજન,દ્રોણાચાર્ય એ મુજબ અર્જુનની પ્રશંસા કરતા હતા ત્યારે દુર્યોધન કોપથી ધૂંધવાઇને દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે-'અરે તમે જોયા કરો.આજના યુદ્ધમાં હું ભરતી સેનાને બે ભાગમાં વહેંચી નાખી હું,દુઃશાસન,કર્ણ અને મામા શકુનિ એ ચારેય જણા મળીને અર્જુનને મારી નાખશું' તેના વચનથી દ્રોણાચાર્ય હસવા લાગ્યા ને દુર્યોધનને કહેવા લાગ્યા કે-'ઠીક કહ્યું,પણ તેં  કોઈ વિચાર કર્યો છે કે અર્જુનને કોણ મારી શકે તેમ છે?તું જે વચન બોલી રહ્યો છે તે કેવળ બકવાદ જ છે.

તું તો સર્વના તરફ શંકા રાખનારો,ક્રૂર ને પાપી નિશ્ચયવાળો છે.કારણકે જેઓ તારું હિત કરવામાં જોડાયેલા છે તેમને પણ તું નહિ કહેવાના બોલ કહે છે.પણ હવે તું એમ જ કર,કે તું પોતે જ અર્જુન સામે યુદ્ધ કરવા જા ને તેને મારી નાખ.શા માટે વાર લગાડે છે? વળી,તાત્વિક દ્રષ્ટિએ જોતાં,આ વેરનું મૂળ કારણ તું જ છે માટે જા ને અર્જુન સામે યુદ્ધ કર.તારો આ મામો શકુનિ તમારી દ્રષ્ટિએ ઘણો બુદ્ધિમાન છે તો તેને પણ અર્જુન સામે યુદ્ધ કરવા જવા દે ને.એ તારો મામો પાસા નાખવામાં કુશળ છે,

કપટી છે ને તે આ યુદ્ધમાં જુગાર ખેલશે તો પાંડવોને જીતશે.વળી,કર્ણની સાથે રહીને તેં વારંવાર બડાઈ મારી છે કે-તમે સાથે રહીને અર્જુનને મારી નાખશું' સભામાં તું ને શેખી કરતો હતો તે અમે સાંભળ્યું છે.તો તારી એ પ્રતિજ્ઞાને આચરી સત્ય કરી દેખાડ.આ તારો શત્રુ પાંડુ પુત્ર મોખરામાં જ નિઃશંક થઈને ઉભો છે.તું ક્ષાત્રધર્મ તરફ દ્દષ્ટિ કર,યુદ્ધમાં તારો વધ થાય તે તારા વિજય કરતાં પણ શ્લાધ્ય છે.તું સર્વ કૃત્યોને કરી ચૂક્યો છે,સર્વ ઐશ્વર્ય ને ભોગો ભોગવી ચુક્યો છે અને સર્વના ઋણથી મુક્ત થઇ ચૂક્યો છે,જા ડરીશ નહિ ને અર્જુન સામે યુદ્ધ કર' આમ કહીને દ્રોણાચાર્ય શત્રુઓ સામે ગયા,તેમણે સેનાને બે વિભાગમાં વહેંચી નાખી અને તુરત ત્યાં યુદ્ધનો પ્રારંભ થયો (37)

અધ્યાય-185-સમાપ્ત