Jul 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1182

 

દ્રોણવધ પર્વ 

અધ્યાય-૧૮૪-બંને પક્ષનાં સૈન્યો રણમાં જ નિંદ્રામાં 

 II संजय उवाच II व्यासेनैवमथोक्तस्तु धर्मराजो युधिष्ठिरः I स्वयं कर्णवधाद्विरो निवृत्तो भरतर्षभ II १ II

સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,વ્યાસજીએ એ પ્રમાણે કહ્યું એટકે ધર્મરાજ પોતે કર્ણનો વધ કરવા જતા અટકી ગયા ને ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યા કે-'તું દ્રોણાચાર્યને અટકાવી દે.તું તેમનો નાશ કરવા જ બાણ,કવચ અને ધનુષ્ય સાથે અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે,માટે ભય રાખ્યા વિના તેમની સામે ધસી જા.બીજા સર્વ યોદ્ધાઓ સૈન્ય સાથે તારી સાથે જ છે' એમ કહીને યુધિષ્ઠિરે સર્વ પાંડવ સૈન્યને ધૃષ્ટદ્યુમ્ન સાથે જઈ દ્રોણાચાર્યનો વધ કરવાની આજ્ઞા આપી.તેથી તે સર્વ દ્રોણાચાર્ય સામે ધસ્યા.

તે સર્વને આવતા જોઈને દુર્યોધન સજ્જ થઈને સૈન્ય લઈને દ્રોણાચાર્યની મદદે ધસ્યો.જો કે એ વેળા બંને સૈન્યો નિંદ્રાને લીધે થાકેલા હતા ને પોતાનું કર્મ કરી શકે તેવી સ્થિતિમાં ન હતા.એ ઘોર રાતેય આમ તો ત્રણ પ્રહર જેટલી જ હતી છતાં સર્વના પ્રાણ હરનારી તે રાત્રી સર્વને એક હજાર પ્રહાર જેટલી થઇ પડી હતી.જોતજોતામાં મધ્ય રાત્રિનો સમય થયો ત્યારે સર્વ સૈન્યો નિંદ્રાથી અંધ જેવા થઇ ગયા હતા ને યુદ્ધ કરવામાં ઉત્સાહ રહિત થઇ ગયા હતા.તેમનાં મન પણ દીન થઇ ગયાં હતા.પણ 'યુદ્ધમાંથી નાસવું તે એક શરમભર્યું કૃત્ય છે' એવી માન્યતાથી તેઓ ક્ષાત્રધર્મની દ્રષ્ટિએ લડ્યા કરતા હતા.


ત્યારે કેટલાએક યોદ્ધાઓ તો અસ્ત્રો પડતાં મૂકીને રણમાં જ,રથમાં કે હાથીઓ પર શયન કરી ગયા હતા.જાગ્રત યોદ્ધાઓ તેનો લાભ લઈને તેમને યમસદન મોકલી દેતા હતા.યોદ્ધાઓને આવી બેભાન સ્થિતિમાં જાણીને અર્જુન ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યો કે-'હે યોદ્ધાઓ તમે બધા થઈને નિંદ્રાથી અંધ બની ગયા છો.સર્વ સ્થળે અંધકાર છવાઈ ગયો છે,માટે તમે જો માનતા હો તો હવે આ રણભૂમિ પર જ એક મુહૂર્ત જેટલો વિરામ લઇ લો.ચંદ્રમાનો ઉદય થાય ત્યારે પુનઃ સંગ્રામ કરી શકશો' ત્યારે સર્વને અર્જુનનાં તે વચનો ગમ્યાં ને સર્વની ઈચ્છાથી બંને પક્ષની સેનાઓ યુદ્ધ કરતી અટકી પડી.ને એક મુહૂર્ત જેટલો સમય સર્વ સુઈ ગયા.

એ પ્રમાણે મહાન શ્રમથી થાકી ગયેલી સેના ગાઢ નિંદ્રામાં મગ્ન થઇ ગઈ હતી.એક મુહૂર્ત કાળમાં ચંદ્રમાનો ઉદય થયો ત્યારે સર્વ સૈન્ય જાગી ઉઠયું ને યોદ્ધાઓનો વિનાશ કરનારું તે યુદ્ધ ફરી શરુ થયું (56)

અધ્યાય-184-સમાપ્ત