Jul 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1181

 

અધ્યાય-૧૮૩-યુધિષ્ઠિરનો કોપ અને વ્યાસનાં સાંત્વના વચનો 


II धृतराष्ट्र उवाच II कर्णदुर्योधननादीनां शकुनेः सौबलस्य च I अपनीतं महत्तात तव चैव विशेषतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે શક્તિના દુરુપયોગના સંબંધમાં કર્ણ,દુર્યોધન અને સુબલપુત્ર શકુનિ આદિ સર્વનો મહાન અપરાધ છે તેમાં વળી તારો તો ખાસ અપરાધ ગણાય.તમે બધા જાણતા હતા કે તે શક્તિ એક જ વીરનો નાશ કરનારી હતી.

સંજય બોલ્યો-'હે રાજન,પ્રતિદિન સંગ્રામમાંથી પાછા ફર્યા બાદ,અમારા સર્વની એ જ મસલત હતી કે કર્ણે બીજા કોઈ પર તે શક્તિ ફેંકવી નહિ પણ માત્ર અર્જુન કે કેશવ પર જ તે શક્તિ ફેંકવી.છતાં,પ્રભાત સમયે કર્ણની તથા બીજા યોદ્ધાઓની બુદ્ધિને દેવો નાશ કરી નાખતા હતા,માટે આ બાબતમાં હું દૈવને જ સર્વોત્કૃષ્ટ કારણ માનું છે.કર્ણ પણ કોઈ દૈવી માયાથી મોહિત થઈને કે દૈવે નષ્ટ કરેલી બુદ્ધિને અધીન થઈને શ્રીકૃષ્ણ કે અર્જુનના પર તેનો પ્રયોગ કર્યો નહિ ને તે શક્તિનો દુરુપયોગ થયો છે.'

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ખરેખર તમને દૈવે જ મારી નાખ્યા છે.ખરેખર દુર્નિતીના પરિણામે જ તમે સર્વ માર્યા જ ગયેલા છો.હવે યુદ્ધ વિષે આગળ શું થયું તે મને કહે.તે દ્રોણાચાર્ય પાંડવો ને સૃન્જયો સામે કેવી રીતે ધસ્યા હતા?અશ્વત્થામા.કર્ણ.કૃપાચાર્ય તથા દુર્યોધન આદિ જે યોદ્ધાઓ આચાર્યનું રક્ષણ કરતા હતા તેઓએ શું પરાક્રમ કર્યું હતું? યુદ્ધ કેવું ઘોર થયું જતું તે વિષે કહે.'


સંજય બોલ્યો-'હે રાજન,એ રાત્રિમાં કર્ણે જયારે ઘટોત્કચને મારી નાખ્યો ત્યારે હર્ષમાં આવેલા તમારા યોદ્ધાઓ યુદ્ધ કરવાની ઈચ્છાથી ગર્જનાઓ કરી રહ્યા.પોતાના સૈન્યનો નાશ થતો જોઈને યુધિષ્ઠર પરમ દીન થઈને ભીમસેનને કહેવા લાગ્યા કે-'હે ભીમ,હવે આ કૌરવો સેનાને તું જ અટકાવજે.મને ઘટોત્કચના મરણથી મહાન શોક થઇ રહ્યો છે' આમ કહી તે પોતાના રથમાં બેસીને વારંવાર નિસાસા નાખવા લાગ્યા.તેમને ગભરાયેલા જોઈને શ્રીકૃષ્ણે તેમને કહ્યું કે-'હે કુંતીપુત્ર,તમે ગભરાઓ નહિ,તમને આ વિકળતા છાજતી નથી,તમે ગભરાટમાં આવશો તો આપણા વિજયમાં સંશય થશે.ઉભા થાઓ ને યુદ્ધ કરો'


શ્રીકૃષ્ણનાં એ વચન સાંભળીને ધર્મરાજા યુધિષ્ઠિર આંસુ લૂછીને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા એ-'હે જનાર્દન,જે પુરુષ પોતાના પર કરેલા ઉપકારોને સમજતો નથી તેને બ્રહ્મહત્યા જેટલું દુષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.અમે વનવાસમાં હતા ત્યારે ઘટોત્કચ પોતે બાળક હતો છતાં પણ અમને ઘણી સહાય કરી છે.અર્જુન અસ્ત્ર મેળવવા ગયો ત્યારે તે પાછો આવ્યો ત્યાં સુધી કામ્યક વનમાં અમારી સાથે રહ્યો હતો.ને ગંધમાદન પર્વતની યાત્રા વેળા અમને સંકટોમાંથી ઉગાર્યા હતા.તે મને પરમ પ્રિય હતો.તેના શોકથી મને સંતાપ થાય છે ને ગભરામણ થાય છે.તમે જુઓ અત્યારે કૌરવ સૈન્ય આપણી સેનાનો ઘાણ કાઢી રહી છે ને હર્ષની ગર્જનાઓ કરી રહી છે.અમે બધા જીવતા હોવા છતાં ઘટોત્કચ રણમાં મરાયો છે.


હે કૃષ્ણ,જે વેળા અભિમન્યુ મરાયો ત્યારે અર્જુન યુદ્ધમાં ન હતો પણ અમને બધાને દુષ્ટ જયદ્રથે અટકાવી દીધા હતા.ને અભિમન્યુના વધમાં દ્રોણાચાર્ય નિમિત્તરૂપ થયા હતા.તેમને જ કર્ણને અભિમન્યુના વધનો ઉપાય બતાવ્યો હતો.કર્ણે તેના ખડગના ટુકડા કરી નાખ્યા ત્યારે કૃતવર્માએ તેના ઘોડા,સારથિ અને પૃષ્ઠ રક્ષકોને મારી નાખ્યા હતા,ને પછી બધા મોટા ધનુર્ધરોએ ભેગા મળીને અભિમન્યુને યુદ્ધમાં માર્યો હતો.આથી અર્જુને એક અલ્પ કારણ માટે સિંધુરાજને મારી નાખ્યો છે,ખરેખર તો શત્રુઓનો વધ કરવો હોય તો પ્રથમ કર્ણ અને દ્રોણાચાર્યને જ મારી નાખવા જોઈએ એવું મારુ માનવું છે,કારણકે અમારા પર આવી પડેલા આ દુઃખનું કારણ તે બંને જ છે.તેમને યુધ્ધે ચડાવી દુર્યોધન નિરાંતે મહાલી રહ્યો છે.હવે હું પોતે જ કર્ણને શિક્ષા કરીશ ને તેનો નાશ કરવા હું અત્યારે જ ત્યાં જાઉં છું' આમ કહી તે કર્ણ સામે યુદ્ધ કરવા ચાલ્યા.ત્યારે શિખંડી એક હજાર રથો,ત્રણસો હાથીઓ ને પાંચ હજાર ઘોડેસ્વારોનું સૈન્ય લઈને તેમની પાછળ નીકળ્યો.


તેમને જતા જોઈને શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે-'આ યુધિષ્ઠિર ઉતાવળા કર્ણ સામે જાય છે તેમની ઉપેક્ષા કરવી યોગ્ય નથી' આમ કહીને તેમણે ઘોડાઓ દોડાવીને યુધિષ્ઠિરના પાછળ પહોંચ્યા.આમ કર્ણનો નાશ કરવા યુધિષ્ઠિર ક્રોધમય થઈને ધસતા હતા અને શોકથી તેમનો સંકલ્પ નાશ પામ્યો હતો તે જોઈને વેદવ્યાસ તેમની પાસે આવી કહેવા લાગ્યા કે-'હે યુધિષ્ઠિર,આજની રાત્રિમાં અર્જુન કર્ણ સામે ન ગયો તેને તમારાં અહોભાગ્ય જ સમજો.નિત્ય સ્પર્ધા કરનાર તે બંને આજે સામસામે ભેટ્યા હોટ તો સર્વ અસ્ત્રોનો નાશ થઇ જતાં તે કર્ણ સંકટમાં આવીને તે ઐન્દ્રી શક્તિ તેના પર ફેંકત તો તમારા પર ઘોર સંકટ આવી પડત.કર્ણે શક્તિનો ઉપયોગ ઘટોત્કચ પર કર્યો તે સારું જ થયું છે.તમારા આ યુદ્ધના કારણે જ તે રાક્ષસ રણમાં માર્યો ગયો છે માટે તમે ક્રોધ ન કરો કે શોક પણ ન કરો.કારણકે જગતનાં સર્વ પ્રાણીઓની આખરે આ જ સ્થિતિ છે.આથી તમે તમારા ભાઈઓ ને સર્વ રાજાઓના સાથમાં રહીને યુદ્ધ કર્યા કરો.આજથી પાંચમે દિવસે આ પૃથ્વી તમારી થશે.તમે નિત્ય ધર્મનું જ ચિંતન કર્યા કરો અને પરમ પ્રસન્ન થઈને દયા,તપ,દાન,ક્ષમા,તથા સત્યનું જ સેવન કરો,નક્કી જ્યાં ધર્મ છે ત્યાં જય છે.(યતો ધર્મસ્તતો જય)' આમ કહી વેદવ્યાસ ત્યાં જ અદ્રશ્ય થયા (67)

અધ્યાય-183-સમાપ્ત 

ઘટોત્કચ વધ પર્વ સમાપ્ત