અધ્યાય-૧૯૫-અશ્વત્થામાનો ક્રોધ
II संजय उवाच II छह्मना निहतं श्रुत्वा पितरं पापकर्मणा I वाश्पेणापूर्यत द्रोणी रोषेण च नरर्षभ II १ II
સંજય બોલ્યો-હે પુરુષશ્રેષ્ઠ,પાપકર્મી ધૃષ્ટદ્યુમ્ને પોતાના પિતાને કપટથી મારી નાખ્યા છે તે સાંભળીને અશ્વત્થામાના નેત્રો અશ્રુઓથી ભરાઈ ગયાં ને તે ક્રોધથી ધુંધવાઇ ઉઠ્યો.ને દુર્યોધનને કહ્યું કે-'ક્ષુદ્ર શત્રુઓએ,શસ્ત્રહીન થયેલા મારા પિતાને જે રીતે મારી નાખ્યા છે તથા ધર્મનું મોટું ઠૂંઠું ગણાતા યુધિષ્ઠિરે જે પાપ કર્યું છે તે બધું મારા સાંભળવામાં આવ્યું છે.યુદ્ધમાં મચેલા પુરુષોનો જય કે પરાજય અવશ્ય નક્કી જ હોય છે પરંતુ યુધ્દ્ધ કરતાં જે મરણ થાય છે તે એ બંનેના કરતાં વિશેષ પ્રશંસાપાત્ર છે.જો સંગ્રામમાં યુદ્ધ કરનાર પુરુષનો ન્યાયપૂર્વક વધ થાય તો તેના સંબંધીઓને દુઃખ થતું નથી એમ વિદ્વાનો કહે છે.મારા પિતા અવશ્ય વીરલોકમાં જ સિધાવ્યા છે એમાં સંશય નથી.
એ મરણ પામ્યાં છે તેનો શોક કરવાનો ન હોય પરંતુ એ નિત્ય ધર્મમાં વર્તનારા છતાં તેમના કેશ પકડવામાં આવ્યા! હાય,મારા જેવો પુત્ર હજી જીવતો બેઠો છે છતાં સર્વ સૈન્યોના દેખતાં મારા પિતાની ચોટલી પકડવામાં આવે એ મારા મર્મોને કાપી નાખે છે.હવે આ જગતમાં પુત્રવાળા ગણાતા બીજા પિતાઓ પોતાના પુત્રો પાસેથી કઈ સ્પૃહા રાખી શકશે? એ ઘાતકી ધૃષ્ટદ્યુમ્ને મારું પણ અપમાન કર્યું છે તેથી એ અધર્મકૃત્યનું એ દારુણ પરિણામ જોશે.યુધિષ્ઠિરે પણ પરમ અકાર્ય કૃત્ય કર્યું છે,તેણે અસત્ય ભાષણ કરીને આચાર્યને અણીના સમયે શસ્ત્રો છોડાવ્યા છે માટે તેના રુધિરનું હું પાન કરીશ.હું આજે સત્યના સોગંધથી કહું છું કે-સર્વ પાંચાલોનો સંહાર કર્યા વિના હવે હું કોઈ રીતે જીવવાનો નથી.તે પાપી ધૃષ્ટદ્યુમ્નને તો રણમાં જ મારી નાખીશ.
હે દુર્યોધન,જગતના મનુષ્યો એટલા માટે જ પુત્રો મેળવવાની ઈચ્છા રાખે છે કે-આ લોક કે પરલોકમાં આવેલા ભયમાંથી ય આપણા પુત્રો આપણને બચાવશે.પણ અરેરે,મારા પિતાની દશા તો એક વાંઝિયા મનુષ્યના જેવી થઇ છે.હું એમનો પુત્ર ને શિષ્ય જીવતો હતો છતાં તેમની આવી દશા?ધિક્કાર છે મને,મારા શસ્ત્રોને ને મારા બાહુઓને કે મારા પરાક્રમને કેમકે મને પુત્ર તરીકે પામ્યા પછી પણ તે મરણ સમયે કેશગ્રહણ પામ્યા ! હું હવે એવું કર્મ કરી બતાડીશ કે મારા પિતા પરલોકમાં ચાલ્યા ગયા છે છતાં હું તેમના ઋણમાંથી મુક્ત થઇશ.
જો કે આર્યપુરુષે પોતાની સ્તુતિ કરવી જોઈએ નહિ,તો પણ હું આજે મારા પિતાના વધને સહન કરો શકતો નથી તેથી મારા પુરુષાર્થને હું કહી સંભળાવું છું.આ સમગ્ર જગતમાં મારા ને અર્જુનના સરખો બીજો અસ્ત્રવેત્તા ક્યાંય છે જ નહિ.હું સેનાની મધ્યમાં રહીને દેવનિર્મિત અસ્ત્રોનો પ્રયોગ કરી શકું છું.પણ,મારી પાસે જે દિવ્ય નારાયણાસ્ત્ર છે તેના પ્રયોગને ને ઉપસંહારને હું બરાબર જાણું છું.અર્જુન કે બીજા કોઈ પણ આ અસ્ત્રને જાણતા નથી.પૂર્વે નારાયણે પ્રસન્ન થઈને મારા પિતાને વર માગવાનું કહ્યું ત્યારે તેમણે 'નારાયણ'નામનું દિવ્ય અસ્ત્ર માંગ્યું હતું.
ત્યારે નારાયણે તે અસ્ત્ર આપતાં તેમને કહ્યું હતું કે-'હે બ્રહ્મન,આ અસ્ત્રનો જેમ તેમ અથવા જ્યારે વિચાર કર્યા વિના પ્રયોગ કરશો નહીં કારણ કે આ અસ્ત્ર શત્રુનો વિનાશ કર્યા વિના પાછું ફરતું નથી આ અસ્ત્ર કોનો વધ નહીં કરે તે જાણી શકાતું નથી તે અવધ્યનો પણ કદાચ વધ કરી નાખે માટે બને ત્યાં સુધી આનો પ્રયોગ ન જ કરવો.. આ મહાસ્ત્ર ને શાંત કરવાના આટલા ઉપાયો છે- યુદ્ધમાં રથનો તથા શસ્ત્રોનો ત્યાગ કરનારાઓને, શરણ માગનારા શત્રુઓને ' હે મહાસ્ત્ર તું જ અમારું શરણ છે' એમ કહેનારાઓને આ અસ્ત્ર બાધ કરતું નથી પણ ત્યાં શાંત થઈ જાય છે. પરંતુ આની સામે બીજા શસ્ત્રોનો પ્રયોગ કરવામાં આવે અને જો શસ્ત્રો વડે આને અટકાવવામાં આવે તો તે સર્વથા અવધ્યનો પણ વધ કરી નાખે છે'
એ નારાયણસ્ત્રને મેં મારા પિતા પાસેથી મેળવ્યું છે માટે ઇન્દ્ર જેમ અસુરોને હાકી કાઢે તેમ તે અસ્ત્રનો પ્રયોગ કરી હું પાંડવો, પંચાલો,મત્સ્ય અને કેકયોને રણમાંથી હાંકી કાઢીશ.હે ભારત હું જેવી ઈચ્છા કરીશ તેવા તેવા આકારના મારા બાણો થઈ જશે અને તે,સામે પરાક્રમ કરતા શત્રુઓ પર પડશે. મારી ઈચ્છામાં આવે તેમ રણમાં ઉભો રહીને હું પથ્થરોની વૃષ્ટિ વરસાવીશ, લોખંડી મુખવાળા પક્ષીઓ પ્રગટ કરી મહારથીઓને નસાડી મુકીશ અથવા જરૂર પડશે તો ફરસીઓને છોડી મૂકીશ.આ મહાન નારાયણાસ્ત્રનો પ્રયોગ કરી હું શત્રુઓને તપાવીશ તથા પાંડવોને તુચ્છ ગણી કાઢી તેમનો સંહાર કરીશ.મિત્રોનો બ્રાહ્મણોનો તથા ગુરુનો દ્રોહ કરનાર તે નીચ અને અતિ નિંદ્ય ધૃષ્ટદ્યુમ્ન આજે મારી આગળથી જીવતો નહીં છૂટે'
દ્રોણ પુત્રના એ વચનો સાંભળીને સર્વસેના પાછી ફરી પછી સર્વ મહાપુરુષો મોટા મોટા શંખનાદો કરવા લાગ્યા અને હર્ષમાં આવી જઈ હજારો ભેરીયો વગાડવા લાગ્યા ઘોડાઓની ખરીઓના આઘાતથી અને રથોના પૈડાંના ગડગડાટથી ધણધણી ઉઠેલી પૃથ્વી ગાજવા લાગી.તે શબ્દને સાંભળીને રથીશ્રેષ્ઠ પાંડવો એક સ્થળે એકઠા મળીને તે ગર્જનાના સંબંધમાં વિચાર કરવા લાગ્યા અને તે જ સમયે દ્રોણપુત્ર અશ્વસ્થામાએ જળ વડે મંત્રાચમન કરીને તે દિવ્ય નારાયણાસ્ત્ર પ્રગટ કર્યું હતું.(50)
અધ્યાય-195-સમાપ્ત
