
પછી,શ્રીશંકરે દેવગણોથી વીંટાઇને અસુરો તરફ પ્રયાણ કર્યું.એ વેળા તેમના પાર્ષદો તેમની પૂજા કરતા હતા ને કેટલાએક માંસાહારી દુરાસદ ભૂતગણો તેમની આગળ આગળ નૃત્ય કરતા દોડાદોડ કરતા ગર્જનાઓ કરતા હતા.એ વખતે મોટામોટા ઋષિઓ અનેક જાતનાં સ્તોત્રોથી શ્રીશંકરની સ્તુતિ કરતા હતા અને તેમના તેજમાં વારંવાર વૃદ્ધિ કરતા હતા.તેમની આગળ હજારોની સંખ્યામાં ગંધર્વો વાદિત્રો વગાડી રહ્યા હતા.જોતજોતામાં તો તેઓ ત્રિપુરની સન્મુખ જઈ પહોંચ્યા.તે વખતે તેમના નંદિકેશ્વરે (પોઠિયાએ)અતિ મહાન ગર્જના કરી મૂકી.
પછી,ક્રોધિત થયેલા શ્રીશંકરે ધનુષ્યમા દોરી ચડાવીને તેમાં બાણનું સંધાન કર્યું અને તેમાં પાશુપતાસ્ત્રનો વિનિયોગ કરી દાનવોના ત્રણ નગરોનું ચિંતન કરીને તે બાણને ત્રિપુર સામે છોડ્યું.કે તુરત જ તે ત્રણેય નગરો કડકડાટ શબ્દ કરતાં પૃથ્વી પર તૂટી પડ્યાં.
અને તેમાં વસનારા અસુરગણો બળીને ભસ્મ થઇ ગયા.એ વેળા તેમના ક્રોધથી ઉત્પન્ન થયેલો અગ્નિ ત્રણેય લોક બાળી નાખવા તૈયાર થઇ ગયો હતો પરંતુ તેને તેમણે અટકાવ્યો હતો.તે અગ્નિ શાંત થયો ત્યારે દેવો,ઋષિઓ,મનુષ્યો તે અતુલ તેજવાળા સ્થાણુદેવ શંકરની શ્રેષ્ઠ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા હતા.
હે શલ્યરાજ,આ રીતે ભગવાન મહેશ્વરે દેવોનું કલ્યાણ કર્યું હતું,અને તે વેળા પિતામહ બ્રહ્મદેવ પોતે જે પરમ અવિકારી હતા છતાં,રુદ્રદેવનું તેમણે સારથિકર્મ કર્યું હતું.તે જ પ્રમાણે તમે કર્ણ,અર્જુન અને શ્રીકૃષ્ણના કરતાં એ અધિક હોવા છતાં આ કાર્યમાં તમે બહુ વિચાર કર્યા વિના રાધાપુત્ર કર્ણના સારથી થઈને શત્રુઓનો વિનાશ કરવામાં અમને સહાય કરો.ઘોડાઓને વશ રાખવામાં તમે બ્રહ્મદેવ સરખા છો,તેથી જેમ તેમણે અસુરોને જીત્યા હતા તેમ તમે પણ શત્રુઓને જીતી શકો તેમ છો.મારા રાજ્યની અને જીવિતની આશા તમારા પર જ અવલંબી રહી છે.કારણકે આજના યુદ્ધમાં તમે જો સારથિ થશો તો જ મારો વિજય થશે.વળી,હું બીજો પણ એક ઇતિહાસ કહું છું તે તમે સાંભળો.
હે શલ્યરાજ,મારા પિતાને એક બ્રાહ્મણે આ ઇતિહાસ કહ્યો હતો.કારણ-કાર્યના અનુસંધાનવાળાં આ ઐતિહાસિક અદભુત વચનો સાંભળ્યા પછી,તમે બરોબર નિશ્ચય કરજો.પરંતુ હું ધારું છું કે એમાં તમારે વિચાર કરવાનું રહેશે જ નહિ.
ભાર્ગવ ગોત્રના બ્રાહ્મણ કુળમાં જમદગ્નિ ઋષિને ઘેર પરશુરામ નામનો તેજસ્વી પુત્ર થયો હતો.તેમણે અસ્ત્રો મેળવવા તીવ્ર તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા.મહાદેવે તેમને દર્શન આપીને કહ્યું કે-'હે પરશુરામ,હું તારા પર પ્રસન્ન થયો છું,તારી ઇષ્ટ કામના મેં જાણી લીધી છે.પરંતુ તું તારા આત્માને પ્રથમ પવિત્ર કર અને પછીથી સર્વ અસ્ત્રો તને આવી મળશે.અપવિત્રતા અપાત્ર તથા અસમર્થ એવા પુરુષને અસ્ત્રો બાળી નાખે છે'
પછી,પરશુરામે ઘણા વર્ષો સુધી તપ કરીને પવિત્ર થયા ત્યારે શ્રીશંકર પ્રસન્ન થયા હતા.હવે તે જ અરસામાં અભિમાન અને મોહને વશ થઈને દૈત્યો દેવતાઓને દુઃખ દેતા હતા એટલે દેવતાઓ શ્રીશંકર પાસે ગયા હતા.ત્યારે દેવતાઓના શત્રુઓનો નાશ કરવાની શ્રીશંકરે પ્રતિજ્ઞા કરીને પરશુરામને કહ્યું કે-'હે પરશુરામ,લોકોનું હિત કરવા અને મને પ્રસન્ન કરવા તું યુદ્ધમાં દેવોને સામે આવેલા સર્વ દૈત્યોને મારી નાખ.હું તને સર્વ અસ્ત્રો આપું છું' આમ કહીને શ્રીશંકરે સર્વ અસ્ત્રો પરશુરામને આપ્યા હતા.તે અસ્ત્રોના પ્રભાવથી પરશુરામે સર્વ દૈત્યોને રણમાં રોળી નાખ્યા હતા.એ લડાઈમાં દાનવોએ પરશુરામને ઘાયલ કરી દીધા હતા,પરંતુ શ્રીશંકરના હાથનો સ્પર્શ થતાં જ તેમનું શરીર ઘાવથી રહિત થઈને પૂર્વના જેવું જ થઇ ગયું હતું.તે વેળા શ્રીશંકરે પ્રસન્ન થઈને પરશુરામને ઘણી જાતનાં વરદાનો અને દિવ્ય અસ્ત્રો પણ આપ્યાં હતાં.
તે પરશુરામને પ્રસન્ન કરીને તેમની પાસેથી કર્ણે દિવ્ય અસ્ત્રો મેળવ્યાં હતા.જો પરશુરામ એમ જાણતા હોત કે કર્ણ સૂતકુળમાં જન્મેલો છે તો તે કદી પણ તેને દિવ્ય અસ્ત્રો આપત નહિ,માટે હું માનું છું કે કર્ણનો જન્મ સૂતકુળમાં કદી હોવો જોઈએ જ નહિ.હું તો તેને ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થયેલો એક દેવપુત્ર માનું છું.કુળ જાણવામાં આવી જાય તેવી ધાસ્તીથી તેનો બાલ્યાવસ્થામાં જ ત્યાગ કરવામાં આવ્યો હતો.કુંડળ અને કવચ સાથે જન્મેલા સૂર્ય સમાન તેજસ્વી એવા મહારથી કર્ણ જેવા પુરુષને કોઈ એક સૂતપુત્રી કેમ જણી શકે?શું મૃગલી કોઈ વાઘને જન્મ આપશે?આ જગતમાં 'વૃષ'એવા બીજા નામથી પ્રસિદ્ધ થયેલો સૂર્યપુત્ર કોઈ સામાન્ય પુરુષ નથી,પણ પરશુરામનો પ્રતાપી શિષ્ય કોઈ મહાત્મા પુરુષ જ છે'(163)
અધ્યાય-34-સમાપ્ત