અધ્યાય-૪૬-વ્યૂહરચના
II संजय उवाच II ततं परानीकसहं व्युहमप्रतिमं कृतं I समीक्ष्य कर्णः पार्थानां ध्रुष्ट्ध्युम्नाभिरक्षितम् II १ II
સંજય બોલ્યો-પછી,શત્રુઓના સૈન્યને સહન કરી શકે તેવી રચનાવાળા પાંડવોના તે અપ્રતિમ વ્યુહને ધૃષ્ટદ્યુમ્નના રક્ષણ તળે રહેલો જોઈને કર્ણે ધસારો કર્યો,ત્યારે તે રથનો ઘડઘડાટ,સિંહનાદની ગર્જના અને વાદિત્રોના નાદથી જાણે પૃથ્વીને કંપાવતો હતો.ત્યારે કર્ણ ક્રોધથી ધ્રુજી રહ્યો હતો ને તેણે સામે વ્યૂહરચના કરીને પાંડવોની સેનાનો નાશ કરવા માંડ્યો.તેણે યુધિષ્ઠિર પર મારો ચલાવીને તેમને પોતાની ડાબી બાજુ લાવી મુક્યા.
ધૃતરાષ્ટ્ર બોલ્યો-'હે સંજય,ધૃષ્ટદ્યુમ્ન આદિ સર્વ પાંડવપક્ષના વીરો મહાન ધનુર્ધરો હતા ને તે સર્વ ભીમથી રક્ષિત હતા,તો સામે કર્ણે કેવો વ્યૂહ રચ્યો હતો? પાંડવોનો મારા યોદ્ધાઓ સામે કેવો વ્યૂહ હતો? કર્ણે યુધિષ્ઠિર સામે ધસારો કર્યો ત્યારે અર્જુન ક્યાં હતો? તે અર્જુન સામે કર્ણ સિવાય બીજો કોણ સમર્થ છે? મને તું સર્વ વૃતાંત કહે.'
સંજય બોલ્યો-'કૃપાચાર્ય,મગધ યોદ્ધાઓ ને કૃતવર્મા-એ સર્વ યોદ્ધાઓ આપણા વ્યુહના જમણા પડખામાં ઉભા હતા ને તેમની બાજુમાં જ શકુનિ અને ઉલુક તમારા સૈન્યનું રક્ષણ કરતા હતા.વળી,નિર્ભય જણાતા ગાંધાર યોદ્ધાઓ પિશાચોની જેમ,મહાભયંકર દેખાવના ભીલ યોદ્ધાઓ,ચોવીસ હજાર રથી યોદ્ધાઓ ને સંશપ્તક યોદ્ધાઓ આપણા વ્યુહની જમણી બાજુએ ઉભા હતા.તેમની બાજુમાં જ તમારા બધા પુત્રો,કામ્બોજ,શક અને યવનયોધ્ધાઓને સાથમાં રાખીને ગોઠવાયા હતા.તે સર્વ સેનાની મધ્યમાં કર્ણ મોખરામાં ઉભો હતો.તેના સર્વ પુત્રો તેનું રક્ષણ કરતા હતા.
તે વ્યુહના પાછળના ભાગમાં દુઃશાસન સૈન્યોથી વીંટાઇને ઉભો હતો ને દુર્યોધન તેની પાછળ જતો હતો.વળી,અશ્વત્થામા આદિ મહારથીઓ તે રથસૈન્યની પાછળ ચાલતા હતા.સેનાપતિ કર્ણે બૃહસ્પતિના મત પ્રમાણે એ વ્યૂહની સુંદર રચના કરી હતી,કે જે શત્રુઓ માટે ભયંકર હતી.તેની એ રચના જોઈને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,જો કર્ણે મહાન વ્યૂહ રચ્યો છે,માટે તું એવો કોઈ ઉપાય કર કે તેઓ આપણો પરાભવ કરી ન જાય' તેમનાં વચન સાંભળીને અર્જુન બોલ્યો-'તમે જે પ્રમાણે કહો છો તેમ થશે.શત્રુઓના વ્યૂહનો નાશ કરવા માટે જે ઉપાય છે તેને જ હું કરીશ.એનો વિનાશ કરવાનો માત્ર એક જ ઉપાય છે કે-તેના મુખ્ય નાયકનો વધ કરવો અને તેનો હું વધ કરીશ,તમે ચિંતા ન કરો'
યુધિષ્ઠિર બોલ્યા-'હે અર્જુન,ત્યારે તું જ કર્ણ સામે,ભીમસેન દુર્યોધન સામે,નકુલ વૃષસેન સામે,શતાનિક દુઃશાસન સામે,સાત્યકિ કૃતવર્મા સામે,ધૃષ્ટદ્યુમ્ન અશ્વત્થામા સામે યુદ્ધ કરે ને હું પોતે કૃપાચાર્ય સામે યુદ્ધ કરીશ.વળી,શિખંડીની સાથે રહેલા દ્રૌપદીના પુત્રો ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો સામે યુદ્ધ કરશે અને બાકીના યોદ્ધાઓ આપણા શત્રુ યોદ્ધાઓને મારી નાખો'
સંજય બોલ્યો-ધર્મરાજે એ પ્રમાણે કહ્યું ત્યારે 'બહુ સારું' કહીને અર્જુને પોતાનાં સૈન્યોને શત્રુઓ સામે યુદ્ધ કરવાની આજ્ઞા આપીને પોતે સેનાના મોખરા ભણી ચાલ્યો.જે રથે બ્રહ્મા,શંકર,ઇન્દ્રે અને વરુણદેવને અનુક્રમે વાહન કર્યા હતા તે સર્વના આદ્ય રથમાં બેસીને અર્જુન અને શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે તે રથને આવતો જોઈને શલ્ય પુનઃ કર્ણને કહેવા લાગ્યો કે-'ઓ કર્ણ,જેના સંબંધમાં તું વારંવાર બીજાઓને પ્રશ્નો કરે છે,તે અર્જુન સામે ચડી આવે છે.જો પેલી રજ કેટલી બધી ઉડી રહી છે! તે અર્જુનના રથથી જ ઉડેલી છે અને સમગ્ર પૃથ્વી જાણે કંપતી હોય તેમ લાગે છે,માટે વાસુદેવ અને ધનંજય એ મહાત્માઓ જ આવી પહોંચ્યા છે.
જો આ મહાન વંટોળિયો તારી સેનાની આસપાસ ફૂંકાય છે,માંસાહારી પ્રાણીઓ બરાડા પડે છે,મૃગો આક્રંદ કરે છે,આકાશમાં ધૂમકેતુ સૂર્યમંડળને ઢાંકે છે,કાગડાઓ ને ગીધો હજારોની સંખ્યામાં રણભૂમિ પર એકઠાં થયાં છે ને માંહેમાંહે ક્રૂર શબ્દો કરી રહયા છે.આ રથની ધજા કંપી રહી છે,ને વેગવાન આ ઘોડાઓ પણ થરથર કાંપે છે.આ બધાં ખરેખર જ અપશુકન સૂચવે છે.આજના યુદ્ધમાં સેંકડો ને હજારો રાજાઓ મરણ પામશે.તું જો,સામે દેવતાઈ વિમાન સરખા દેખાતા અર્જુનના રથ પર વાયુમાં ફરકતી પેલી ધજાઓ વીજળીની જેમ ઝબકી રહી છે.વાનરના ચિહનવાળી સુંદર ધજા ફરકાવતો અર્જુનનો રથ તારા પર ચઢી આવે છે.જો શ્રીકૃષ્ણની પાસે શંખ,ચક્ર,ગળા અને સારંગ ધનુષ્ય કેવું શોભે છે.તેમના મસ્તક પર કૌસ્તુભમણિ ઝળકી રહ્યો છે.તેઓ શ્વેત ઘોડાઓ દોડાવતા આ તરફ જ આવે છે.તેમને તું આજે જોઇશ.તેમને તું જો મારી નાખીશ તો તું અમારા બધાનો રાજા થઈશ.પણ,અરે ઓ તું જો,કે પેલા સંશપ્તક યોદ્ધાઓએ અર્જુનને યુદ્ધ માટે બોલાવ્યો એટલે તે તેમની સામે જ ગયો છે,તું જો તો ખરો કે તે અર્જુન શત્રુઓનો કેવો સંહાર કરી નાખે છે.'
મદ્રરાજ આમ કહી રહ્યો હતો તે સાંભળી,કર્ણ અતિશય ક્રોધથી તેને કહેવા લાગ્યો કે-'ઓ શલ્ય,જો તે સંશપ્તક યોદ્ધાઓએ સર્વ તરફથી અર્જુન સામે જઈને તેને ઘેરી લીધો છે ને તે તો બિલકુલ દેખાતો નથી,મને લાગે છે કે એ જ સ્થળે તેનો અંત આવી જશે.' ત્યારે શલ્ય તેને કહેવા લાગ્યો કે-'અલ્યા ઓ,જળ વડે કોણ જળનો નાશ કરી શકે?લાકડા નાખીને કોણ અગ્નિને શાંત કરી શકે?વાયુને કોણ નિયમમાં રાખી શકે?અને મહાસાગરને કોણ પી શકે? આ રણસંગ્રામમાં સંશપ્તકોને હું આ દ્રષ્ટાંતો સરખા જ માનું છું.બાકી ઇન્દ્રસસહિત દેવો પણ અર્જુનને જીતી શકે તેમ નથી.માટે તું પણ બીજો મનોરથ કર.અરે,જે પુરુષ અર્જુનને જીતી શકે તે પોતાના બે બાહુઓથી આખી પૃથ્વીને ઉપાડી શકે,દેવોને પણ સ્વર્ગમાંથી પાડી શકે તેવો મહાસમર્થ હોય.
જો પેલી તરફ નજર કર.પેલો મોટી મોટી ભુજાઓવાળો ભીમ મેરુપર્વતની જેમ ભાસી રહ્યો છે.તે ચિરકાળના પોતાના વેરનું સ્મરણ કરીને યુદ્ધ કરવા ટાપી રહ્યો છે.શત્રુઓ માટે અસહ્ય એવો યુધિષ્ઠિર ને નકુલ,સહદેવ પણ યુદ્ધ માટે સજ્જ થયા છે.અર્જુનની બરોબરી કરનાર દ્રૌપદીના પાંચ પુત્રો,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ આદિ પણ સજ્જ થઈને આપણી સામે જ યુદ્ધ કરવાની ઈચ્છાથી ચઢી આવે છે.' કર્ણ અને શલ્ય આવી રીતે વાત કરતા હતા,તેવામાં તો તે બંને પક્ષની સેનાઓ,ગંગા-યમુનાની જેમ સામસામે ટકરાઈને અત્યંત સેળભેળ થઇ ગઈ (57)
અધ્યાય-46-સમાપ્ત
