Nov 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1265

 

અધ્યાય-૫૫-યુધિષ્ઠિર નાઠા 


II संजय उवाच II द्रौणिर्युधिष्ठिरं द्रष्ट्वा शैनेयेनाभिरक्षितं I द्रौपदेयैस्तथा शूरैरम्यवर्तत धृष्टवत् II १ II

સંજય બોલ્યો-એ સમયે યુધિષ્ઠિરને સાત્યકિ અને દ્રૌપદીના પુત્રોના રક્ષણ તળે ઉભેલા જોઈને દ્રોણપુત્ર અશ્વત્થામા નિર્ભય થઈને તેમની સામે ચડી ગયો.ને તેણે પોતાના હાથની ચાલાકી દર્શાવીને દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સંખ્યાબંધ બાણો મૂકીને યુધિષ્ઠિરને અને આકાશને ઢાંકી દીધું.તેના બાણો વડે આકાશ એટલું ઢંકાઈ ગયું હતું કે તેથી કંઈ પણ જાણવામાં આવતું નહોતું.સર્વ આકાશ જાણે સુવર્ણની લટકતી શેરોવાળો એક મોટો ચંદરવો બાંધી દીધો હોય તેમ સુવર્ણભૂષિત બાણજાળથી પથરાઈ ગયું હતું.ત્યાં કોઈ પ્રાણી પણ ઉડી શકતું નહોતું તે એક મોટું અચરજ હતું.અશ્વત્થામાની ઝડપ જોઈને સૈન્યોના સર્વ મહારથીઓ વિસ્મય પામી ગયા હતા.ને સૂર્યની જેમ દીપતા તેની સામે કોઈ જોઈ શકતા નહોતા.

ત્યારે સાત્યકિએ સામે ધસીને સત્તાવીસ બાણોથી,યુધિષ્ઠિરે તોતેર બાણોથી,પ્રતિવિન્દ્યે સાત બાણોથી,શ્રુતકર્માએ ત્રણ બાણોથી,શ્રુતકીર્તિએ સાત બાણોથી,સુતસોમે નવ બાણોથી,શતાનીકે સાત બાણોથી અને બીજા શૂરાઓએ પણ અશ્વત્થામા પર પ્રહાર કરીને તેને વીંધી નાખ્યો.ત્યારે કોપિત થયેલા તે અશ્વત્થામાએ સામે તે સર્વના બાણોને કાપીને સામે તેમને પણ બાણોથી વીંધી નાખી ને માર માર્યો.તેણે શ્રુતકીર્તિ અને યુધિષ્ઠિરના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે તે બંનેએ નવું ધનુષ્ય હાથમાં લઈને સામો પ્રહાર કરવા લાગ્યા.


તે વખતે સાત્યકિએ તે અશ્વત્થામાના ધનુષ્યને કાપીને મોટી ગર્જના કરી મૂકી.પોતાનું ધનુષ્ય કપાયું ત્યારે અશ્વત્થામાએ શક્તિનો પ્રહાર કર્યો ને સાત્યકિના સારથિને મારી નાખ્યો ને નવું ધનુષ્ય ધારણ કરીને બાણોની વૃષ્ટિ કરીને સાત્યકિને ઢાંકી દીધો.રથના સારથિના મરવાથી સાત્યકિના ઘોડાઓ આમતેમ દોડવા લાગ્યા.ત્યારે તે દ્રોણપુત્ર,જેમ,વનનો અગ્નિ ઘાસને બાળે તેમ,પાંડવસૈન્યને બાળવા લાગ્યો.


પાંડવ સૈન્ય અશ્વત્થામાના ત્રાસથી તપીને ખળભળી ઉઠ્યું ત્યારે યુધિષ્ઠિર અશ્વત્થામાને કહેવા લાગ્યા કે-'હે ગુરુપુત્ર,તમારામાં પ્રીતિ નથી તેમ કૃતઘ્નતા પણ નથી.કારણકે તમે આજ મને મારી નાખવા ઈચ્છો છો.અરે,બ્રાહ્મણોએ તો તપ કરવું જોઈએ.તમે તો ખાલી નામના જ બ્રાહ્મણ છો.તમે જોઈ લેજો કે હું યુદ્ધમાં સર્વ કૌરવોને જીતીશ.તમે તમારે બને તેટલું પરાક્રમ કર્યા કરો,જરૂર તમે એક નીચ બ્રાહ્મણ છો'

યુધિષ્ઠિરે તેમ કહ્યું એટલે અશ્વત્થામા સામે હાસ્ય ને યુધિષ્ઠિરનું કહેવું સત્ય જ છે એમ વિચારીને સામે કશું બોલ્યા નહિ.

પણ બાણવૃષ્ટિ વડે તેમને ઢાંકી દીધા.ત્યારે યુધિષ્ઠિર તેની સામે યુદ્ધ કરવું મૂકી દઈને ત્યાંથી નાઠા અને ત્યાંથી કૌરવ સેના સામે ધસી ગયા.યુધિષ્ઠિર ત્યાંથી નાઠા એટલે મોટા મનના અશ્વત્થામા પણ બીજી તરફ ચાલ્યા ગયા.(39)

અધ્યાય-55-સમાપ્ત