વળી તે ખાંડવવનના દાહ સમયે સર્વ દેવગણોને તથા સર્વ ભૂતોને પણ જીતશે.આનાથી મોટો કોઈ ધનુર્ધર થશે નહિ અને જગતમાંનું કોઈ પ્રાણી તેનો પરાજય કરી શકશે નહિ.આ તારો પુત્ર જો ઈચ્છા કરશે તો સર્વ ભૂતોને પોતાને વશ કરશે,ઇન્દ્રિયોને જીતશે ને સર્વ વિદ્યાઓનું સંપૂર્ણ અધ્યયન કરશે.તે કાંતિમાં ચંદ્ર જેવો,વેગમાં વાયુ જેવો,સ્થિરતામાં મેરુ જેવો.પ્રભામાં સૂર્ય જેવો,લક્ષ્મીમાં કુબેર જેવો,શૌર્યમાં ઇન્દ્ર જેવો અને બળમાં વિષ્ણુ જેવો થશે.હે કુંતી,જેમ અદિતિને ત્યાં વિષ્ણુનો જન્મ થયો હતો તેમ,આ શત્રુહંતા પુત્રનો તારે ત્યાં જન્મ થયો છે,કે જે સંબંધીઓને અપાવવા ને શત્રુઓનો સંહાર કરવા પ્રસિદ્ધ થશે.'
હે અર્જુન,પણ શોકની વાત તો એ છે કે-તે આકાશવાણીના કહેવા પ્રમાણે કંઈ થયું નહિ અને ઉલટું સિદ્ધ થયું કે-જરૂર દેવો પણ અસત્ય ભાષણ કરે છે.વળી,તારું સન્માન કરનારા કેટલાએક મહર્ષિઓનાં વચન સાંભળીને મેં કદી પણ માણ્યું નહોતું કે દુર્યોધનનો આટલો ઉત્કર્ષ થશે અને તું કર્ણથી ડરી જઈશ.અરે,દુર્યોધન તો પ્રથમથી જ કહ્યા કરતો હતો કે-'અર્જુન કર્ણની સામે ઉભો પણ રહેશે નહિ' પણ તેનાં એ વચનને મેં મૂર્ખાઈથી માન્યાં નહોતાં.ને એથી જ મારે આજે સંતાપ કરવાનો સમય આવી પડ્યો છે ને હું શત્રુઓના મધ્યમાં નરકમાં ખૂંચી ગયો છું.
અરે,ઓ અર્જુન,તારે મને એ સમયે જ કહેવું હતું કે-'હું કોઈ રીતે કર્ણ સામે યુદ્ધ કરી શકીશ નહિ તો હું મારા મિત્ર સૃન્જયો તથા કેકયોને યુદ્ધ માટે નિમંત્રણ કરત નહિ.હાય,હવે તે કર્ણની ને કૌરવ સૈન્ય સામે યુદ્ધ કરવા માટે હું શું કાર્ય કરી શકીશ?
ઓ કૃષ્ણ,આ યુદ્ધમાં બધાની મધ્યમાં હું કર્ણના પાશમાં આવી ગયો છું,માટે ધૂળ પડો મારા જીવતરમાં !
ઓ અર્જુન,તારો પુત્ર અભિમન્યુ જીવતો હોત તો તેણે જ શત્રુઓનો સંહાર કરી નાખ્યો હોત.આજે જો ઘટોત્કચ જીવતો હોત તો આજની જેમ મારે રણમાંથી નાસી આવવું ન પડત.મારાં પૂર્વજન્મનાં પાપો ઘણાં બળવાન હશે,કે તે દુરાત્મા કર્ણે તને એક તણખલા સમ તુચ્છ માનીને આ રણમાં મારો પરાભવ કર્યો છે.
પુરાણકાળના ઋષિઓ કહે છે કે-'જે કોઈ આપત્તિમાં આવી પડેલા મનુષ્યને છોડાવે તે જ ખરો બાંધવ અને મિત્ર છે' પણ હે અર્જુન,તું અદ્દભૂત એવા રથમાં બેઠો હતો કે જેના શ્રીકૃષ્ણ સારથિ હતા ને તારા હાથમાં આ તાડવૃક્ષના જેવડું મોટું આ ગાંડીવ ધનુષ્ય હતું છતાં તું કરણથી ડરીને અહીં કેમ નાસી આવ્યો છે?હે અર્જુન તારું આ ગાંડીવ તું શ્રીકૃષ્ણને આપી દે અને તેમને જ તારા રથમાં બેસાડીને તું તેમનો સારથિ થા,એટલે શ્રીકૃષ્ણ જ તે કર્ણનો વધ કરશે.અરે,ઓ અર્જુન જો તું કર્ણને મારી નાખવા અસમર્થ હોય તો આપણા સૈન્યમાં જે કોઈ રાજા તારા કરતાં અસ્ત્રવિદ્યામાં અધિક હોય તેને તારું ગાંડીવ આપી દે.એટલે પછી,લોકો,પુત્રો ને સ્ત્રીઓથી હીન થયેલા અને રાજ્યના વિનાશને લીધે સર્વ જાતનાં સુખથી ભ્રષ્ટ થયેલા આપણને પાપીઓથી સેવાતા અગાધ નરકમાં પડેલા ન જુએ.
અરે,તું તો મહાકષ્ટદાયક ગર્ભના પાંચમા મહિનામાં જ ગળી પડ્યો હોત અથવા કુંતીના ગર્ભમાં તું જન્મ્યો જ ન હોત તો ઘણું સારું થાત.હે દુરાત્મા રાજપુત્ર,સંગ્રામમાં નાસી જવા કરતાં તે જ તારો ગર્ભસ્ત્રાવ તારા માટે કલ્યાણકારક થઇ પડત.હે અર્જુન,ધિક્કાર છે તારા ગાંડીવ ધનુષ્યને,ધિક્કાર છે તારા બાહુબળને,ધિક્કાર છે તારાં અસંખ્ય બાણોને,ધિક્કાર છે તારા કપિના ચિહનવાળા ધ્વજને ને ધિક્કાર છે અગ્નિએ આપેલા તારા આ અદભુત રથને ! (30)
અધ્યાય-68-સમાપ્ત
