વળી,કોઈ પ્રસંગે તેવું જ કંઈ બન્યું હોય કે-સત્ય તરફ દૃષ્ટિ કરતાં તે અવશ્ય કહેવું જોઈએ અને હિંસા તરફ દૃષ્ટિ કરતાં તે વાત જો કહેવામાં ન આવે તો લોકોને શંકા થતી હોય-તો તેવે પ્રસંગે કોઈ જાતનો વિચાર કર્યા વિના અસત્ય ભાષણ કરવું તે જ સત્ય મનાય છે.દ્રષ્ટાંત તરીકે-'કોઈ બ્રાહ્મણ ચોર છે'એમ આપણા જાણવામાં આવ્યું હોય અને તે બ્રાહ્મણના સંબંધમાં 'આ ચોર હશે કે નહિ'એવો બીજાઓને સંશય હોય તો-તે વેળા સત્ય બોલવાથી થવારૂપ અધર્મને સમજીને મૂંગા રહેવું જ અતિ ઉત્તમ છે,છતાં પણ મૌન રહેવાથી કાર્યની સિદ્ધિ થતી ન હોય તો અસત્ય પણ બોલવું.
વળી,જે મનુષ્ય હરકોઈ કાર્યને ઉદ્દેશીને મનમાં પ્રતિજ્ઞા કરે છે અને પછી તેનું પાલન કરતી વખતે તેના મૂળ હેતુનો ત્યાગ કરીને બીજા અનેક પ્રકારો દ્વારા તે પ્રતિજ્ઞાને પૂર્ણ કરે છે તો તે મનુષ્ય દાંભિક જ ગણાય.તેને પ્રતિજ્ઞા સંપૂર્ણ કર્યાનું ફળ કદી મળતું નથી એમ વિદ્વાનો કહે છે.પરંતુ શાસ્ત્ર કહે છે કે-પ્રાણનાશનો પ્રસંગ આવી પડ્યો હોય,વિવાહ તૂટી જવાની તૈયારીમાં હોય,સર્વ જ્ઞાતિઓનો વિનાશ ઉપસ્થિત થયો હોય અને ઉપહાસનો પ્રસંગ ચાલતો હોય-તે વેળા અસત્ય વચન પણ અસત્ય ગણાતું નથી.ધર્મના તત્વાર્થને જાણનારા વિદ્વાનો પણ તેવે પ્રસંગે બોલવામાં આવેલા અસત્યને અધર્મ ગણતા નથી.
વળી,જો અમુક કોઈ મનુષ્ય,કોઈ પ્રસંગે ચોર લોકોના હાથમાં સપડાઈ ગયો હોય,તો એ સમયે જૂઠા જૂઠા સોગંધો ખાઈને પણ તેણે તેના હાથમાંથી છૂટી જવું કારણકે તેવે પ્રસંગે વિચાર કર્યા વિના અસત્ય ભાષણ કરવું તે શ્રેયસ્કર છે અને અસત્ય ભાષણ પણ સત્ય તરીકે જ ગણાય છે.બની શકે ત્યાં સુધી એ વખતે ચોર લોકોને ધન આપવું જ નહિ,કારણકે પાપી લોકોને આપેલું ધન દાતાને નરકમાં જ નાખે છે,એમ ધર્મને અર્થે અસત્ય ભાષણ કરીને પુરુષ અસત્યવક્તા થતો નથી.હે અર્જુન,આ પ્રમાણે તારું હિત ઇચ્છીને મેં ધર્મ તથા મારી બુદ્ધિને અનુસરી તારી આગળ યથાવિધિ ધર્મનું લક્ષણ કહ્યું,હવે આનો વિચાર કરીને જો યુધિષ્ઠિર તને મારવા યોગ્ય જણાતા હોય તો તું મને કહે.'
અર્જુન બોલ્યો-'હે કૃષ્ણ,કોઈ મહાપ્રાજ્ઞ અને મહાબુદ્ધિમાન ધર્માચાર્ય જેમ અમને હિતવચનો કહે,તેમ તમે અમારું હિત કરવા માટે જ આ વચનો કહ્યાં છે.તમે અમારા માતા અને પિતા સમાન છો,અમારી પરમ ગુરુરૂપ છો અને પરમપ્રાપ્ય સ્થાનરૂપ છો.આ ત્રણે લોકમાં તમારાથી અજાણી એવી કોઈ વસ્તુ નથી.માટે જ તમે પરમધર્મનું સંપૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણો છો.હું ધર્મરાજ યુધિષ્ઠિરને મારવા યોગ્ય માનતો નથી માટે આ મારી પ્રતિજ્ઞાના સંબંધમાં મારા પર તેવી કોઈ કૃપા કરો કે જેથી ધર્મરાજનો વધ ન થાય ને મારી પ્રતિજ્ઞા પણ પુરી થાય.વળી,મારા મનની બીજી વાત હું કહું છું તે સાંભળો.મારું જેવું આ વ્રત છે તેવું ભીમસેનનું પણ વ્રત છે કે-જો કોઈ મનુષ્ય તેને 'તૂવરક' (બડમૂછો)કહે-તો તેને મારી નાખવો.હે શ્રીકૃષ્ણ,ધર્મરાજે મને 'તારું આ ધનુષ્ય બીજાને આપી દે' એમ કહ્યું છે એટલે મારા વ્રતને અનુસરીને જો તેમને હું મારી નાખું,તો તેમના મરણ પછી એક ક્ષણવાર પણ આ જીવલોકમાં હું રહી શકું તેમ નથી.આ સમયે હું બેભાન જેવો થઇ ગયો છું.માટે હે શ્રીકૃષ્ણ,જે કરવાથી લોકદૃષ્ટિએ મારી પ્રતિજ્ઞા સત્ય ઠરે અને અમે બંને જીવતા રહીએ એવો કોઈ ધાર્મિક નિર્ણય આપવા આપ યોગ્ય છો.'
શ્રીકૃષ્ણ બોલ્યા-એ અર્જુન,રાજા કર્ણ સાથે યુદ્ધ કરતાં ઘણા થાકી ગયા છે,ઘાયલ થઇ ગયા છે એથી જ દુઃખયુક્ત થઈને ક્રોધાવેશમાં આવીને તને આવાં અયોગ્ય વચન કહ્યાં છે.પણ કર્ણે જો તેમને યુદ્ધમાં કોપાવ્યા ન હોત તો તે 'કર્ણને મારવો જ નથી' એમ તને કહેત.યુધિષ્ઠિર જાણે છે કે તારા સિવાય બીજો કોઈ પુરુષ કર્ણ સામે યુદ્ધમાં ટક્કર ઝીલી શકે તેવો નથી.યુધિષ્ઠિર માને છે કે-કોઈનાથી એ સહન ન થઇ શકે તેવા કર્ણના આધાર પર જ આજની યુદ્ધબાજી ખેલાઈ રહી છે માટે તમે જો કર્ણનો વધ કરવામાં આવે તો કૌરવો સહેલાઈથી જીતાઈ જશે.હવે ધર્મની યોગ્યતાવાળો એક ઉપાય તને કહું છું તે સાંભળ.
જે પુરુષ આ જગતમાં માનપાત્ર છે તે જ્યાં સુધી માન મેળવે છે ત્યાં સુધી આ જીવલોકમાં જીવતો મનાય છે પણ જયારે તે મહાઅપમાનને પામે છે ત્યારે તે જીવતા છતાં તેને મૂએલો જ માનવામાં આવે છે.યુધિષ્ઠિરને તું અને જગતના સર્વ માન આપે છે,માટે તું કોઈ યુક્તિથી તેમનું અપમાન કર એટલે તે જીવતા છતાં તેમનું મૃત્યુ થયેલું જ માનશે.હે અર્જુન,તું તારા આ પૂજ્ય યુધિષ્ઠિરને ટુંકારા (તુંકારા?)થી બોલાવ ને તેમનું અપમાન કર-એટલે તેમનો વધ થઇ ચુક્યો જ મનાશે.શ્રુતિઓમાં ઉત્તમ મનાયેલી અથર્વાગિરસી નામની એક શ્રુતિ કહે છે કે 'अवधेन वधः प्रोक्तो यद गुरुस्त्वमिति प्रभुः' (કોઈ મહાસમર્થ ગુરુજનને ટુંકારાથી બોલાવવો તે શસ્ત્રપાત કર્યા વિના તેનો વધ કર્યો મનાય છે)
એ રીતે હે અર્જુન,તેં કરેલા અપમાનથી ધર્મરાજ યુધિષ્ઠિર પણ અયોગ્યતા ભરેલો પોતાનો વધ થઇ ચુક્યો છે એમ જાણી લેશે.પછીથી એમના ચરણોમાં વંદન કરીને તેમને કેટલાંએક પ્રિય વચનો કહીને અને તેમનું સાંત્વન કરી તેં કરેલા અપમાનનો પરિહાર કરવા માટે તેમને તું માનથી બોલાવજે.આમ કરવાથી તારા વડીલ ભાઈ યુધિષ્ઠિર પોતે મહાબુદ્ધિમાન હોઈને ધર્મ તરફ દૃષ્ટિ કરી તારા પર કદી કોપાયમાન નહિ થાય અને તું પણ અસત્ય ભાષણથી તથા ભ્રાતૃવધજન્ય પાતકથી મુક્ત થઈને હર્ષપૂર્વક સૂતપુત્ર કર્ણનો રણમાં વધ કરજે (88)
અધ્યાય-69-સમાપ્ત