અધ્યાય-૧૫૯-કર્ણને પોતાના અભિમાનનું મળેલું ફળ
II संजय उवाच II तथा परुषितं द्रष्ट्वा सूतपुत्रेण भातुलम I खडगमुद्यम्य वेगेन द्रौणिरम्यपतद् द्रुतम् II १ II
સંજય બોલ્યો-સૂતપુત્ર કર્ણે આ પ્રમાણે કઠોર વચનો કહીને પોતાના મામાનો તિરસ્કાર કર્યો તે જોઈને અશ્વત્થામા હાથમાં તલવાર ઊંચી કરીને વેગપૂર્વક કર્ણ સામે ધસ્યો.ને તેને કહેવા લાગ્યો કે-'ઓ નરાધમ,મારા શૂરા મામા અર્જુનના સત્ય ગુણોનું કથન કરે છે ત્યારે તું દ્વેષને લીધે તેમનો તિરસ્કાર કરે છે.તું જાણે સર્વ લોકમાં એકલો જ ધનુર્ધર હોય તેમ બડાશ મારે છે,તને ગર્વનું ભૂત ભરાયું છે અને સંગ્રામમાં તું કોઈને ગણનામાં લેતો જ નથી.પણ,અર્જુને આજે યુદ્ધમાં તારો પરાજય કરીને તારી સમક્ષ જ જયદ્રથને મારી નાખ્યો ત્યારે તારાં પરાક્રમ ને અસ્ત્રો ક્યાં ગયાં હતાં ? જેણે પૂર્વે સાક્ષાત મહાદેવની સામે યુદ્ધ કર્યું છે તે અર્જુનને તું કેવળ વૃથા મનોરથ માત્રથી જીતવા ઈચ્છે છે ! શ્રીકૃષ્ણની સાથે રહેલા તે અર્જુનને જીતવા ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી.તો પછી,હે દુષ્ટમતિ કર્ણ,આ લોકમાં એક જ વીર ગણાતા અર્જુનને તું ક્યાંથી જીતશે?ઓ દુર્બુધ્ધિ નરાધમ,હવે તું ઉભો રહેજે હું પોતે જ આજે તારા માથાને ધડથી જુદું કરીશ'




