અધ્યાય-૩૦-ત્રિગર્તરાજે વિરાટની ગાયોનું કરેલું હરણ
II वैशंपायन उवाच II अथ राजा त्रिगर्तानां सुशर्मा रथयुथपः I प्राप्तकालमिदं वाक्यमुवाच त्वरितो बली II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,રથસમૂહનો પાલક ત્રિગર્તરાજ સુશર્મા ઉતાવળો આવીને સમયોચિત વચન કહેવા લાગ્યો કે-મત્સ્યરાજના સેનાપતિ કીચકે મારા રાજ્યને અનેકવાર રંજાડ્યું છે,પણ હવે તે કીચકોને ગંધર્વોએ મારી નાખ્યો છે
એટલે વિરાટરાજનો આધાર તૂટી ગયો હશે એમ હું માનું છું.આથી તમને સર્વ કૌરવો ને કર્ણને રુચે તો આપણે
તેના રાજ્ય પર ચડાઈ કરી એનાં રત્નો,વિવિધ ધનને કબ્જે કરી ભાગ પાડી વહેંચી લઈએ.અથવા આપણે બળપૂર્વક
તેના નગરને સારી રીતે પીડીએ ને તેની જાતજાતની અત્યંત સુંદર એવી ગાયોનું હરણ કરીએ.
આપણે સેનાના વિભાગ કરીને,ચારે બાજુથી આક્રમણ કરી તેના સૈન્યને હણીને,તેમને આધીન કરવાથી
તમારા બળમાં નિઃસંશય વૃદ્ધિ થશે.અને આપણે સુખેથી રહી શકીશું (13)