મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે.
તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે.
દુર્જનનો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો –વિયોગ-દુઃખ આપે છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.
આ બાજુ પ્રભુએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને ભાગવત-ધર્મના જ્ઞાનનો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.
ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.