કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી.
જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.
તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.
દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.