Nov 12, 2019

ભાગવત રહસ્ય-૧૦૭

તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.

સંતને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતોમાં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.સંત બોલે તો – માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે.
સંતો ના બીજા લક્ષણો માં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતોને જગતમાં કોઈ શત્રુ નથી.
સંત સમજીને સંસારસુખનો-વિષયોનો-બુધ્ધિપૂર્વક ત્યાગ કરે છે. પ્રભુના માટે સર્વનો ત્યાગ કરે છે.
સંતોના સોળ લક્ષણો બતાવ્યા છે. એક એક લક્ષણ જીવનમાં ઉતારવાની જરૂર છે.

ભગવાન કસોટી કરી અપનાવે છે. “ભૂખે મારું,ભૂવે સુવાડું,તનની પાડું ખાલ,પછી કરીશ ન્યાલ.”
નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજીએ માગ્યું-ભગવાન કળિયુગમાં આવી કસોટી કરશો નહિ, આવી કસોટી કરશો-તો –કોઈ તમારી સેવા કરશે નહિ.

સંતો-ભક્તો એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત થતા નથી.ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે.શ્રદ્ધા વધે-એટલે ભગવાનમાં આસક્તિ થાય. આસક્તિપૂર્વક સેવા-સ્મરણ કરે-એટલે તે આસક્તિ પ્રેમલક્ષણા ભક્તિ બને છે. વ્યસનાત્મિકા ભક્તિ બને છે. ભક્તિ વ્યસનરૂપ બને છે. મુક્તિ સુલભ બને છે.
તીવ્ર ભક્તિ વગર,મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. સતત ભક્તિ કરવાની.

જગતમાં સુખી થવાના –બે જ માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજો ભક્તિમાર્ગ.
જ્ઞાનમાર્ગ કહે છે સર્વ છોડીને ઈશ્વર પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. 
જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય બધું તુચ્છ સમજે છે.જગતને તુચ્છ સમજે છે,જે શરીરમાં રહે છે તેને પણ તુચ્છ સમજે છે. તે સમજે છે કે શરીરનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ નથી.જ્ઞાની સર્વ છોડી દે છે અને માત્ર ભગવાનને પકડી રાખે છે. જ્ઞાનમાર્ગના આચાર્ય શિવજી છે. શિવજી ત્યાગનો માર્ગ બતાવે છે.

ત્યાગ કરવો હોય તો સર્વનો ત્યાગ કરો. પણ સર્વનો ત્યાગ કરવો કઠણ છે.
કળિયુગનો માણસ કામનો કીડો છે-ભોગમાં ફસાયો છે, જ્ઞાનમાર્ગમાં આગળ વધવું તેના માટે કઠણ છે.
ભક્તિમાર્ગ કહે છે-સર્વમાં ઈશ્વર છે,એમ માની સર્વ સાથે,વિવેકથી પ્રેમ કરો. આ બધું પરમાત્માનું છે, હું પણ પરમાત્માનો છું, એમ સમજીને વિવેકથી બધાનો ઉપયોગ કરવાનો છે. શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા છે,કે-તમે ઘર છોડી શકતા નથી તો તમારા ઘરને ઠાકોરજીનું મંદિર બનાવો. ઘરમાં જે કંઈ છે-તે ઠાકોરજીનું છે-હું તો સેવક છું.ભક્તિમાર્ગમાં સર્વ સમર્પણ કરવાનું છે-છોડવાનું નથી.

ભક્તિમાર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે. પરમાત્મા શ્રીકૃષ્ણ –સર્વ પર પ્રેમ કરે છે. શ્રીકૃષ્ણની જેમ જ મનુષ્યે સર્વ સાથે પ્રેમ કરવાનો છે.કોઈ પણ સ્વાર્થ વગર,કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો છે.


એક વાર ભૃગુઋષિને થયું-કે-દેવોની પરીક્ષા કરું-કે-દેવોમાં શ્રેષ્ઠ કોણ છે. ભૃગુઋષિ દેવોની પરીક્ષા કરવા જાય છે. વૈકુંઠમાં આવ્યા.ભગવાન સૂતેલા છે,લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. ભૃગુઋષિ વિચારે છે-આ આખો દિવસ સુઈ રહે છે,આ કોઈ વિલાસી લાગે છે.આને મોટો દેવ કોણ કહે ? આવેલા પરીક્ષા કરવા એટલે ક્રોધ આવ્યો છે અને એકદમ આવીને ભગવાનની છાતી પર લાત મારી.

લાત મારનાર પર પણ કનૈયો પ્રેમ કરે છે. આ બ્રાહ્મણ છે-તેને સજા કરવી નથી. તેની હું સેવા કરીશ.
ભગવાન કહે છે-મારી છાતી સખત-અને તમારાં ચરણ કોમળ,તમારાં ચરણને દુઃખ થયું હશે. એમ કહી ઋષિ ના ચરણની સેવા કરવા લાગ્યા. માતાજીને જરા ખોટું લાગ્યું. આવી રીતે તો પરીક્ષા થતી હશે? તે દિવસથી લક્ષ્મીજી –બ્રાહ્મણો પર નારાજ થયા છે.'આ બ્રાહ્મણોને ઘેર મારે જવું નથી. થોડા ક્રોધમાં આવ્યા છે,મારા માલિકની છાતી પર લાત મારી, આ રખડતા રહે એ જ સારું છે.આ બ્રાહ્મણ ભિખારી રહે તે જ સારું છે, 
હું બ્રાહ્મણને ત્યાં જઈશ નહિ'
માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો છે.એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. 
લક્ષ્મીજી ભલે બ્રાહ્મણો પર કુદૃષ્ટિ રાખે પણ ભગવાન નારાયણ કૃપાદૃષ્ટિ રાખે છે.

જ્ઞાની પુરુષો-દેહનાં લાડ કરતા નથી. તે એમ માને છે કે-આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું.
સર્વનો મોહ છોડી તેનો તેનો ત્યાગ કરો-કે સર્વની સાથે તેમાં ઈશ્વર ભાવ રાખી- પ્રેમ કરો.પણ સર્વમાંથી મમતાનો ત્યાગ કરો.દરેક જીવમાંથી મમતા-મારાપણું ત્યાગવું-એ સમર્પણ માર્ગ- અને અમુકમાં જ મમતા એ –સ્વાર્થ માર્ગ.અત્યારે તો બધા સ્વાર્થ માર્ગી બન્યાં છે.
“પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ, છૈયાંછોકરાં મારા શાલિગ્રામ, હુ પુજા કોની કરું ?”


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE