Jun 6, 2020

ભાગવત રહસ્ય -૨૯૭

નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું. ભાવનાથી નંદ-મહોત્સવ કરવાનો.સંતો રોજ સવારે નંદ-મહોત્સવ કરે છે,તેથી તેમના મન પર દુઃખ-સુખની અસર થતી નથી.દવાથી જેમ અંગ બહેરું થાય છે-તેમ ભક્તિરસ થી મન બહેરું થાય છે.શરીર ગમે ત્યાં હોય-પણ ભાવના કરવાની કે-“હું નંદબાબાના મહેલમાં છું,યશોદાજીની ગોદમાં લાલો બેઠો છે,મરક મરક સ્મિત કરે છે.ગાયો કુદાકુદ કરે છે,ને ગોપીઓ આનંદમાં નાચે છે.ને હું સેવા કરું છું.” આવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે અને દિવસ સુખમય થશે.

Jun 5, 2020

ભાગવત રહસ્ય -૨૯૬

સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે.
પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે.
ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે.

Jun 4, 2020

ભાગવત રહસ્ય -૨૯૫

મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. 
મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે.
મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે.
મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે.
શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.