Aug 31, 2020

ભાગવત રહસ્ય -૩૭૭

ગાયોથી ઘેરાઈને,બંસરી વગાડતા, ટેર-કદંબ (ઝાડ) પર બેઠેલા કનૈયાના ચિત્રની જરા આંખ બંધ કરીને કલ્પના કરવા જેવી છે.ગોપીઓ આ વેણુનાદ (વેણુગીત)ની વાતો કરતાં જાણે ધરાતી નથી.ગાયોની જેમ તેમને પણ લાલાની નજીક દોડી જવું છે.બીજી એક ગોપી કહે છે-કે- અરી સખી તને હું એક ખાનગી વાત કહું ? ગાયોથી ઘેરાઈને બેઠેલા લાલાને જોઈ ને અને લાલાના પગ ચાટીને લાલાનો સંસર્ગ પામતી ગાયોને જોઈને હું બાવરી થઇ જાઉં છું,મને પણ એવી ઈચ્છા થાય છે કે હું પણ દોડતી દોડતી જાઉં અને લાલાને આલિંગન આપું,લાલાનો સંસર્ગ પામું.પણ લોક લજ્જાને કારણે,એક સ્ત્રી હોવાને કારણે ઘરમાંથી હું જઈ શકતી નથી.

Aug 30, 2020

ભાગવત રહસ્ય -૩૭૬

એક ગોપી બોલી કે-અરી સખી તને શું કહું?બંસીનાદ સાંભળી,બંસીની તાનમાં મસ્ત બની,ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય છે,ઘાસ ખાવાનું છોડી દે છે. ગૌમાતાઓ કાન ઉભા-ઉંચા કરી જાણે કાન વાટે અમૃત પીતી હોય તેવું લાગે છે.કનૈયાની બંસરીનો નાદ સાંભળી ગાયોના આંખમાંથી આનંદના અશ્રુઓની ધાર થાય છે,મોઢામાં લીધેલો ઘાસનો કોળીઓ ચાવવાનું ભૂલી જાય છે.વાછરડાં પણ ધાવવાનું છોડી દે છે.અને વાછરડાં પણ મુરલીની તાનમાં મસ્ત બન્યાં છે.

Aug 29, 2020

ભાગવત રહસ્ય -૩૭૫

ગોપીઓના પ્રશ્નના જવાબમાં વાંસળી કહે છે કે-મેં બહુ તપશ્ચર્યા કરી છે,બહુ દુઃખ સહન કર્યું છે.મારા પર છ ઋતુઓના માર પડ્યા છે.મારું હૈયું પોલું છે.મારા હૈયામાં કશું નથી,છતાં લોકો એ મને કોતરી,મને સાત કાણાં પાડ્યાં તો પણ હું બોલી નહિ.હું મારી મેળે એકલી બોલતી નથી.ધણીની ઈચ્છા પ્રમાણે તેને જે બોલાવવું હોય તે બોલું છું.માલિકની ઈચ્છા પ્રમાણે સુર કાઢું છું.