Oct 4, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-33-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-33



ભાગવત રહસ્ય -૪૦૮

જો રાસલીલામાં લૌકિક કામાચાર હોય તો દેવો,ગંધર્વો,બ્રહ્માજી,નારદજી વગેરે આ રાસલીલા જોવા ના આવ્યા હોત.આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઇ છે,બંધ ઓરડામાં નહિ.ભાગવતનો શ્રોતા છે પરીક્ષિત.જે મૃત્યુ ને કાંઠે બેસીને આ કથા સાંભળે.જેને સાત દિવસમાં મુક્તિ અપાવવાની છે,તેને લૌકિક કામની વાતો સંભળાવવાની હોય નહિ.
વળી શુકદેવજી-કે જેનાં કેવળ દર્શન માત્રથી અપ્સરાઓ ના કામનો નાશ થયો છે,તેવા મહાપુરુષ આ કથા કરવા બેઠા છે.અપ્સરામાં પણ જેમણે સ્ત્રીત્વ નહિ પણ “બ્રહ્મ” ના દર્શન થાય છે,તેવા શુકદેવજી,પૂર્ણ નિર્વિકાર અને નિષ્કામ છે. અરે,જેમની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાયોગી આ કથા કરે છે.જો રાસલીલામાં લૌકિક કામ હોય તો શુકદેવજી આ કથા કરી શકે જ નહિ.

Oct 2, 2020

ભાગવત રહસ્ય -૪૦૭

છેવટે પરમાત્માની હાર અને ગોપીઓની જીત થઇ છે.હવે રાસલીલાનો પ્રારંભ થાય છે.
પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યા,જેટલી ગોપીઓ તેટલા શ્રીકૃષ્ણ.વચ્ચે રાધા-માધવ અને તેને ઘેરીને અષ્ટ-સખીઓ ઉભી છે.અને તેને ઘેરી ને બીજી ગોપીઓ ઉભી છે.પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપે શ્રીકૃષ્ણ ઉભા છે અને રાસનો પ્રારંભ કર્યો છે.હજારો જન્મથી વિખુટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો.જીવ અને ઈશ્વર એક બન્યાં છે.
અંશ (જીવ),અંશી (ઈશ્વર) ને મળ્યો છે.અંશ,અંશી સાથે એકરૂપ થયો છે.