અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો ઉત્તર
II युधिष्ठिर उवाच II वल्गु चित्रपदं श्लक्ष्णं याज्ञसेनि त्वया वचः I उक्तं तछ्रुतमस्माभिर्नास्तिक्यं तु प्रभाषसे II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે યાજ્ઞસેની,તેં જે સુંદર પણ વિચિત્ર પદવાળાં વચનો કહ્યાં,તે અમે સાંભળ્યા,તું તો વેદવિરુદ્ધ ને નાસ્તિક વાતો કરે છે.હું કોઈ કર્મના ફળને શોધતો દોડતો નથી પણ 'દેવું જોઈએ' એટલે જ દાન કરું છું
ને 'યજવું જોઈએ' એટલે યજ્ઞ કરું છું,હે કૃષ્ણા,આમાં ફળ મળો કે ન મળો,પણ ગૃહસ્થાશ્રમમાં વસતા પુરુષે જે કરવું જોઈએ તે યથાશક્તિ હું કરું છું.હું કંઈ ધર્મના ફળને કારણે ધર્મ આચરતો નથી,પણ હું તો શાસ્ત્રોને અનુસરીને અને સત્પુરુષોના વર્તનને જોઈને તેવું આચરણ કરું છું.મારુ મન સ્વભાવથી જ ધર્મપરાયણ છે.જે,ધર્મ કરીને ફળની આકાંક્ષા રાખે છે તે હીન મનુષ્ય,તો ધર્મવાદીઓમાં અધમત્તમ છે.(5)




