અધ્યાય-૫૨-વનવાસનાં વર્ષોનો નિર્ણય ને વ્યૂહરચના
II भीष्म उवाच II कलाः काष्ठाश्च युज्यंते मुहुर्ताश्व दिनानि च I अर्धमासाश्व नक्षत्राणि ग्रहास्तथा II १ II
ભીષ્મ બોલ્યા-કલા,કાષ્ઠા,મુહૂર્ત,દિવસ,પક્ષ,નક્ષત્ર,ગ્રહ,ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે ને એ રીતે
કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે.તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ પાંચ વર્ષે,બબ્બે માસ ઉમેરવામાં આવે છે,એ રીતે જોતાં,પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાતો વધારે થાય છે,એમ મારુ માનવું છે.તેમને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેમણે યથાર્થ પાળી છે.અને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન અહીં યુદ્ધ કરવા સામે આવ્યો છે.તે સર્વ પાંડવો ધર્મ ને અર્થમાં નિષ્ણાત છે,તેઓ નિર્લોભી છે ને તેમણે દુષ્કર કાર્યો કર્યા છે,તેથી તેઓ કેવળ ઉલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઈચ્છા કરે તેમ નથી.