અધ્યાય-૬૬-અર્જુનનો સંદેશો
II वैशंपायन उवाच II एवमुक्त्वा महाप्राज्ञो धृतराष्ट्रः सुयोधनम् I पुनरेव महाभाग: संजयं पर्यप्रुच्छत II १ II
વૈશંપાયને કહ્યું-મહાબુદ્ધિમાન ને મહાભાગ્યશાળી ધૃતરાષ્ટ્ર,દુર્યોધનને એ પ્રમાણે કહ્યા પછી ફરી સંજયને પૂછવા લાગ્યા કે-હે સંજય,હવે જે બાકી હોય તે અને શ્રીકૃષ્ણ બોલી રહ્યા પછી અર્જુને તને જે કહ્યું હોય તે તું મને કહે,મને કૌતુક થાય છે.
સંજયે કહ્યું-વાસુદેવના સાંભળતા જ અર્જુને મને કહ્યું કે-હે સંજય,ભીષ્મ પિતામહ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ,કર્ણ,બાલહિક,
અશ્વસ્થામા,સોમદત્ત,શકુનિ,દુઃશાસન આદિ અને જે રાજાઓ કૌરવોનું પ્રિય કરવા આવ્યા હોય તેઓને તું મારાં વચનથી યથાયોગ્ય રીતે વંદન ને કુશળ પુછજે.અને રાજાઓની વચ્ચે,તે ક્રોધી,દુર્બુધ્ધિ,પાપાત્મા,મહાલોભી અને પાપીઓનું આશ્રયસ્થાન એવા રાજપુત્ર દુર્યોધનને તથા તેના મંત્રીઓને મારાં આ વચન સંભળાવજે.(10)