અધ્યાય-૫૧-ભીમથી ત્રાસ
II धृतराष्ट्र उवाच II सर्व एते महोत्साहा ये त्वया परिकीर्तिताः I एकतस्त्वेव ते सर्व समेता भीम एकतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-તેં જે યોદ્ધાઓ કહ્યા તે સર્વે મોટા ઉત્સાહવાળા છે પણ તે એકઠા મળેલાને એક તરફ મૂકીએ અને ભીમ એકલાને એક તરફ મૂકીએ તો તે સર્વની સમાન થાય.જેમ,વાઘથી મહામૃગને ભય લાગે તેમ મને તે ક્રોધી તથા અસહનશીલ ભીમનો મહાભય લાગે છે,ને હું નિસાસા નાખતો રાતોના ઉજાગરા કરું છું.તેના સમાન હું આપણી સેનામાં કોઈને જોતો નથી કે જે તેની સામે યુદ્ધમાં ટકી શકે,તે મહાબળવાન મારા પુત્રોનો સંહાર કરી નાખશે.હું મારા મનથી,ભીમની તે આઠ ખૂણાવાળી ભયંકર ગદાને,ઉગામેલા બ્રહ્મદંડની જેવી જોઉં છું કે જે મહાહઠે ભરાયેલા કૌરવોને યુદ્ધમાં દંડધારી કાળરૂપ થઇ પડશે.(8)