અધ્યાય-૫૨-અર્જુન તરફના ભયનું વર્ણન
II धृतराष्ट्र उवाच II यस्य वै नानृतावाच: कदचिद्नुशुश्रुम I त्रैलोक्यमपि तस्य स्याध्योद्वा यस्य धनंजयः II १ II
ધૃતરાષ્ટ બોલ્યા-અમે જેની વાણી કોઈ પણ દિવસ મિથ્યા સાંભળી નથી અને જેનો અર્જુન યોદ્ધો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય મળે તેમ છે.હું વિચાર કરું છું કે એવો કોઈ જ પુરુષ નથી કે જે અર્જુનની સામે અડવા જાય.કર્ણી અને નાલીક જાતનાં,હૃદયને ચીરી નાખનારા બાણો છોડનારા તે ગાંડીવધારી અર્જુનની સામે જનારો તેનો બરોબરીઓ મને કોઈ જ દેખાતો નથી.દ્રોણ અને કર્ણ જો અર્જુનની સામે યુદ્ધ કરવા જાય તો જય કોનો થશે?એ સંબંધી લોકોમાં મોટો સંદેહ ઉત્પન્ન થાય,પરંતુ મારા પક્ષનો તો વિજય થવાનો જ નથી કારણકે કર્ણ દયાળુ ને પ્રમાદી છે અને દ્રોણાચાર્ય વૃદ્ધ અને તેઓના પણ ગુરુ છે.બીજી તરફ અર્જુન,સમર્થ,બળવાન,દૃઢ ધનુષ્યવાળો ને શ્રમરહિત છે.(6)