અધ્યાય-૬૦-ધૃતરાષ્ટ્રનું વિવેચન
II वैशंपायन उवाच II संजयस्य वचः श्रुत्वा प्रज्ञाचक्षुर्जनेश्वरः I ततः संख्यातुमारेभे तद्वचो गुणदोषतः II १ II
વૈશંપાયને કહ્યું-સંજયનું કહેવું સાંભળીને,અંધરાજા ધૃતરાષ્ટ્ર,તે વચનના ગુણદોષની ગણના કરવા લાગ્યો.વિચક્ષણ ને પોતાના પુત્રોના વિજયની કામનાવાળા ધૃતરાષ્ટ્રે પોતાના બુધ્ધિબળથી,ગુણદોષની યથાયોગ્ય સૂક્ષ્મતાથી ગણના કરીને બંને પક્ષના બળાબળનો નિશ્ચય કર્યો.પછી,તેણે શક્તિ સંબંધી વિચાર કર્યો અને તેમાં પાંડવોને દૈવી તથા માનુષી શક્તિથી અને તેજથી યુક્ત જાણીને અને કૌરવોને અતિ અલ્પ શક્તિવાળા જાણીને તેણે દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,મારી આ ચિંતા કદી પણ શાંત થતી નથી,હું જે કહું છું તે અનુમાનથી નહિ પણ સાચા અનુભવથી કહું છું,એમ મારુ માનવું છે.