અધ્યાય-૬૨-કર્ણ અને ભીષ્મ વચ્ચે વિવાદ
II वैशंपायन उवाच II तथा तु प्रुच्छमतंतीव पार्थ वैचित्रवीर्यतमचिंतयित्वा I उवाच कर्णो धृतराष्ट्रपुत्रं प्रहर्षयन्सन्सदि कौरवाणां II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વિચિત્રવીર્યનો પુત્ર ધૃતરાષ્ટ્ર,અર્જુનના સંબંધમાં અતિશય પૂછ્યા કરતો હતો,ત્યારે તેના પર લક્ષ્ય ના આપતાં,તે સભામાં દુર્યોધનને આનંદ આપતો કર્ણ બોલ્યો કે-'પૂર્વે,'હું બ્રાહ્મણ છું' એવું પરશુરામને મિથ્યા કહીને,મેં તેમની પાસેથી બ્રહ્માસ્ત્ર સંપાદન કર્યું હતું,પણ મારુ કપટ જાણ્યા પછી તેમણે તે જ વખતે મને કહ્યું હતું કે-'તને અંતકાળે એ અસ્ત્રનું સ્મરણ થશે નહિ' જો કે મારો અપરાધ મોટો હતો છતાં તે તેજસ્વી ગુરુએ મને બીજો શાપ આપ્યો નહોતો,કારણકે મેં સેવાથી ને પુરુષાર્થથી તેમનું મન પ્રસન્ન કર્યું હતું.તે બ્રહ્માસ્ત્ર મારી પાસે છે ને મારુ આયુષ્ય પણ બાકી છે એટલે હું અર્જુનને જીતવા સમર્થ છું અને તેથી તેના વધનો ભાર હું મારે માથે લઉં છું.તે ઋષિનો કૃપાપાત્ર હું એક પલકારામાં પાંચાલ,મત્સ્ય આદિને અને પુત્ર-પૌત્રોની સાથે પાંડવોને મારીને તે લોકોને સ્વાધીન કરીશ.પિતામહ,દ્રોણ -આદિ ભલે તારી સાથે રહે,હું માત્ર મુખ્ય સૈન્યની સાથે જઈને પાંડવોનો નાશ કરીશ.એ ભાર હું મારા પર લઉં છું' (6)