અધ્યાય-૬૮-સંજયે કહેલું કૃષ્ણનું માહાત્મ્ય
II संजय उवाच II अर्जुनो वासुदेवश्च धन्विनौ पर्मरचितौ I कामादन्यत्र संभूतौ सर्वभावाय संमितौ II १ II
સંજયે કહ્યું-ધનુર્ધારી અર્જુન અને પરમપૂજ્ય વાસુદેવ એ બંને બ્રહ્મભાવમાં સમાન છે.તેઓનો જન્મ કર્મને લીધે નથી,પણ લોકોના અનુગ્રહને માટે જ સૂર્યની જેમ તેઓ પ્રગટ થયા છે.વાસુદેવનું સુદર્શન ચક્ર,મધ્યમાં પાંચ હાથ પહોળું છે,પણ શ્રીકૃષ્ણ તેને જેટલા પ્રમાણવાળું થવાની ધારણા કરીને છોડે છે તેટલા પ્રમાણમાં તે પહોળું થઈને જાય છે.તેજવાળું તે ચક્ર કોઈનું પણ સારાસારનું બળ જાણવા માટે નિર્માયું છે ને તે પાંડવોનું માનીતું છે ને કૌરવોનો સંહાર વાળનારું છે.મહાબળવાન શ્રીકૃષ્ણે ભયંકર જણાતા નરકાસુર,શમ્બરાસુર,કંસ અને શિશુપાલને રમતાં રમતાં જીતી લીધા હતા.ઐશ્વર્યસંપન્ન તથા શ્રેષ્ઠ રૂપવાળા પુરુષોત્તમ,માત્ર મનના સંકલ્પથી જ પૃથ્વી,અંતરિક્ષને ને સ્વર્ગને કબ્જે કરીલે તેવા છે.(5)