જે મનુષ્ય સર્વનો નાશ કરે છે તેનો યશ નાશ પામે છે અને તે સર્વ પ્રાણીઓમાં કાયમની અપકીર્તિ સંપાદન કરે છે.એકવાર વેર ઉત્પન્ન થયું એટલે તે લાંબો સમય જતાં પણ શાંત થતું નથી કારણકે શત્રુકુળમાં જો એકાદ પુરુષ પણ હયાત હોય તો તેને પૂર્વ વૈરની વાત કહેનારા લોકો મળી આવે છે.હે કેશવ,વૈર થી વૈરની કદી શાંતિ થતી નથી.પણ તે અધિકાધિક વૃદ્ધિ જ પામે છે ને જેમ,છિદ્ર જોનારાને અવશ્ય છિદ્ર મળી જ આવે છે,તેમ છેવટે પોતાનો અથવા શત્રુનો પૂરો વિનાશ થયા વિના શાંતિ થતી નથી.
જેને પુરુષાર્થનું અભિમાન છે તેને હૃદયમાં પીડા કરનાર બળવાન વૈરરૂપી મનોવ્યથા રહે છે કે જે મનોવ્યથાનો ત્યાગ કે મરણથી જ શાંતિ થાય છે.અથવા હે કેશવ,શત્રુઓનો સમૂળ નાશ કરવાથી નિષ્કંટક રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે,પરંતુ કોઈનો સમૂળ ઉચ્છેદ કરવો એ મહાક્રુર કર્મ કર્યું ગણાય કે નહિ? ગણાય જ.(66)