અધ્યાય-૭૪-સુલેહ તરફ ભીમનું વલણ
II भीम उवाच II यथा यथैव शान्तिः स्यात्यरुणां मधुसूदन I तथा तथैव भाषेथा म सं युद्वेन भीषये II १ II
ભીમે કહ્યું-હે મધુસુદન,કૌરવોમાં જે જે રીતે શાંતિ થાય તે તે રીતે જ તમે ત્યાં બોલજો,તેઓને યુદ્ધનું નામ આપીને ડરાવશો નહિ.દુર્યોધન અસહનશીલ,ક્રોધી,કલ્યાણનો દ્વેષી અને ગર્વિષ્ઠ છે માટે તમારે તેને ઉગ્ર વચન કહેવાં નહિ,પણ તેની સાથે સમજાવીને જ કામ લેવું.દુર્યોધન સ્વાભાવિક રીતે જ પાપી બુદ્ધિવાળો છે,ચોરના જેવો ચિત્તવાળો છે,ઐશ્વર્યના મદથી છકી ગયેલો છે,પાંડવોની સાથે વૈર બાંધી બેઠો છે,ટૂંકી દ્રષ્ટિનો છે,કઠોર વાણીવાળો છે,લાંબા ક્રોધવાળો છે,ઉપદેશને માટે અયોગ્ય છે,પાપાત્મા છે,કપટપ્રિય છે,મારે પણ નમે નહિ તેવો છે અને મતીલો છે.(4)