અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણનું ભાષણ
II श्रीभगवान उवाच II एवमेतन्महाबाहो यथा वदसि पांडव I पांडवानां कुरुणा च प्रतिपत्स्ये निरामयः II १ II
શ્રીભગવાને કહ્યું-હે મહાબાહુ પાંડવ,તું જે કહે છે તે યથાર્થ છે,હું પાંડવોનું તથા કૌરવોનું કલ્યાણ કરીશ.હું દૂત થઈને જાઉં છું માટે સંધિ કરવી અથવા યુદ્ધનો પ્રસંગ લાવવો એ બંને કામ મારે અધીન છે.તો પણ એમાં દૈવની અનુકૂળતાની અપેક્ષા છે.
એક ખેતર,રસાળ હોય અને ખેડૂતે મહેનતથી તૈયાર કર્યું હોય પણ તે વરસાદ વગર ફળ આપતું નથી,તેમાં દૈવનું પ્રાધાન્ય છે.
હવે તે જ ખેતરમાં પાણી પાઈને ફળ મેળવવું,તેને કેટલાએક પુરુષ યત્નનું પ્રાધાન્ય કહે છે,પરંતુ તેમાંએ દૈવયોગે જળાશય સુકાઈ જતું જોવામાં આવે છે,એટલે એમાં પણ દૈવનું પ્રાધાન્ય આવે છે.દૈવ ને પુરુષાર્થ સાથે મળવાથી જ લોકનું હિત સધાય છે.હું પુરુષાર્થ વડે સલાહના માટે પ્રયત્ન કરીશ,પરંતુ હું દૈવને કોઈ રીતે ફેરવી શકીશ નહિ.(5)
