અધ્યાય-૯૩-શ્રીકૃષ્ણનું વિદુર પ્રત્યે ભાષણ
II श्रीभगवानुवाच II यथा बुयान्महाप्राज्ञो यथा बुयाद्विचक्षणः I यथा वाच्यस्त्वद्विधेन भवत मद्विधः सुहृत II १ II
શ્રીભગવાન બોલ્યા-હે વિદુર,મહાબુદ્ધિમાન,વિચક્ષણ પુરુષ જે પ્રમાણે કહે,અને તમારા જેવાએ મારા જેવા સ્નેહીને જે પ્રમાણે કહેવું જોઈએ,તેવું ધર્માર્થયુક્ત સત્યવચન,તમે મને માતપિતાની જેમ કહ્યું છે.તમે મને જે સત્ય,સમયોચિત તથા યોગ્ય કહ્યું છે તે યથાર્થ છે.પણ હવે તમે સ્વસ્થ થાઓ ને મારા આવવાનું કારણ સાંભળો.હું દુર્યોધનની દુષ્ટતા અને મારો ક્ષત્રિયો સાથેનો વેરભાવ,એ સર્વ જાણીને જ આજે અહીં કૌરવો પાસે આવ્યો છું.ઘોડા-રથ અને હાથીઓની સાથે આ પૃથ્વી નાશ પામવા બેઠી છે,તેને જે પુરુષ મૃત્યુપાશથી મુક્ત કરે,તે ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે.(5)