અધ્યાય-૯૯-પાતાળનું વર્ણન
II नारद उवाच II एतत्तु नागलोकस्य नाभिस्थाने स्थितं पुरम् I पातालमिति विख्यातं दैत्यदानवसेवितम् II १ II
નારદે કહ્યું-આ નાગલોકની વચ્ચે આવેલું,પાતાળ નામનું નગર છે જેમાં દૈત્યો ને દાનવો નિવાસ કરે છે.પૃથ્વી પરનાં જે કોઈ જંગમ પ્રાણી,પાણીના તરંગ સાથે અહીં પેસી જાય છે,તેઓ ભયથી પીડાઈને દુઃખના મોટા પોકારો કરે છે.અહીં જળનો આહાર કરનારો આસુરાગ્નિ સતત બળ્યા કરે છે,કે જેને દેવોએ પ્રયત્નપૂર્વક મર્યાદામાં રાખ્યો છે,નહિ તો તે તત્કાળ આખા સમુદ્રને તથા લોકોને બાળી નાખે.'પોતાને બાંધી દીધો છે' એ વાત અગ્નિ પોતે પણ જાણે છે.દેવોએ શત્રુઓને માર્યા પછી અમૃત પીને બાકી રહેલું અમૃત અહીં મૂક્યું છે,ને એ કારણથી અહીં ચંદ્રની ક્ષય-વૃદ્ધિ જોવામાં આવતી નથી.(4)





