અધ્યાય-૧૦૭-ગાલવનો શોક
II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II
નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.





