અધ્યાય-૧૧૪-યયાતિની પાસે યાચના
II नारद उवाच II अथाह गालवं दीनं सुपर्णः पततां वरः I निर्मितं वह्विना भृमौ वयुआ शोधितं तथा I
यस्माद्विरमण्यं सर्व हिरण्यं तेन चोच्यते II १ II
નારદે કહ્યું-પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે તે દીન થયેલા ગાલવને કહ્યું કે-અગ્નિએ ભૂમિમાં સુવર્ણનું નિર્માણ કર્યું છે,વાયુએ તેને શુદ્ધ કર્યું છે ને તે સુવર્ણ જગતમાં મુખ્ય છે તેથી તેની નામ હિરણ્ય (કે ધન) કહેવાય છે.એ ધન ત્રણે લોકમાં નિત્ય રહેલું છે.
શુક્રવારે,પૂર્વા અથવા ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રનો યોગ આવતાં,અગ્નિ,પોતાના વીર્યરૂપ ધન,કુબેરના ભંડારની વૃદ્ધિ માટે મનુષ્યોને નિયમથી આપે છે,માટે ધનાર્થી મનુષ્યે અગ્નિની પ્રાર્થના કરવી.કુબેર અને બંને નક્ષત્રોના દેવતા (અજૈકપાત-અહિરબુધન્ય)એ ધનનું રક્ષણ કરે છે,માટે એ દેવોની પ્રાર્થના કરનારને ધન મળી શકે છે.ધન મહાદુર્લભ છે ને આમ બેસી રહેવાથી મળે તેવું નથી અને ધન વિના તને ઘોડાઓ મળવાના નથી.માટે તું કોઈ રાજાની પાસે ધનની યાચના કર.સોમવંશમાં ઉત્પન્ન થયેલો,નહુષનો પુત્ર,યયાતિ મારો મિત્ર છે,તેની પાસે કુબેર જેવો વૈભવ છે,માટે તેની પાસે આપણે જઈએ.હું કહીશ તો તે તને ધન આપશે.




