અધ્યાય-૧૨૫-ભીષ્મ-આદિનો દુર્યોધનને ઉપદેશ
II वैशंपायन उवाच II ततः शांतवनो भीष्मो दुर्योधनममर्षणं I केशवस्य वचः श्रुत्वा प्रोवाच भरतर्षम II १ II
વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ જન્મેજય,પછી,શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને શાંતનુના પુત્ર ભીષ્મ અસહનશીલ દુર્યોધનને કહેવા લાગ્યા કે-'હે તાત,સંબંધીઓમાં સલાહસંપ થાય એવી ઇચ્છવાળા શ્રીકૃષ્ણે તને જે વચન કહ્યાં છે તે વચનને ગ્રહણ કર.ક્રોધને આધીન થઈશ નહિ.શ્રીકૃષ્ણનાં વચન પ્રમાણે તું નહિ ચાલે તો તારું કદી પણ શ્રેય થશે નહિ,તારું કલ્યાણ થશે નહિ અને તને સુખ પણ મળશે નહિ.તું પ્રજાનો નાશ કર નહિ.આ તારી રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓમાં અતિ ઉજ્જવળ છે તેનો તું કેવળ પોતાની દુષ્ટતાને લીધે ધૃતરાષ્ટ્રની હયાતિમાં જ નાશ કરી બેસીશ.અને 'હું હું' એવી અભિમાની બુદ્ધિને લીધે મંત્રી,પુત્ર,ભાઈઓ અને સગાઓની સાથે તું તારા પોતાના જીવનનો પણ નાશ કરીશ.તું તારા પિતા,વિદુર અને શ્રીકૃષ્ણ-એ સર્વના સાચાં ને હિતકારક વચન ઓળંગીને પોતાને 'કૃતઘ્ન,કુપુરુષ,દુર્મતિ,કુમાર્ગગામી'એવાં વિશેષણો લગાડીશ નહિ અને માબાપને શોક સાગરમાં ડુબાવીશ નહિ'(8)

