અધ્યાય-૧૨૮-શ્રીકૃષ્ણનો પ્રત્યુત્તર
II वैशंपायन उवाच II ततः प्रशम्य दाशार्ह: क्रोधपर्याकुलेक्षण:I दुर्योधनमिदं वाक्यमब्रवीत्कुरुसंसदि II १ II
વૈશંપાયને કહ્યું-દુર્યોધનનો એ ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણનાં નેત્રો ક્રોધથી વ્યાકુળ થઇ ગયાં,પણ તે કૈંક ગમ ખાઈને,સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-તું જે વીરશૈય્યાની ઈચ્છા કરે છે તે તારો મનોરથ પૂર્ણ થશે,થોડા જ સમયમાં સંગ્રામ શરુ થશે.
ઓ મૂર્ખ,તું એમ માને છે કે-પાંડવો તરફ તેં કોઈ અપરાધ કર્યો નથી,પરંતુ હે રાજાઓ,આના સર્વ અન્યાયોને તમે સાંભળો.
હે ભરતવંશી,તું પાંડવોના વૈભવને જોઈને તપી ઉઠ્યો અને તેં તથા શકુનિએ દ્યુત રમવાની દુષ્ટ વિચાર ઉભો કર્યો.
પાંડવો કે જે સદાચારી,સજ્જનોને માન્ય અને સરળ આચરણવાળા છે,તેઓની સાથે કપટપૂર્વક અન્યાયથી વર્તવું એ કેમ યોગ્ય ગણાય? તેં સદાચારીઓની સલાહ ન લેતાં,પાપીઓની સાથે મળીને,દ્યુતદ્વારા આ ભયંકર સંકટ વહોરી લીધું છે.(7)