અધ્યાય-૧૩૦-દુર્યોધનનો દુર્વિચાર અને તેની ઝાટકણી
II वैशंपायन उवाच II तत्तु वाक्यमनादत्य सोर्थवन्मातृभाषितम् I पुनः प्रतस्थे संरंभात्सकाशमकृतात्मना II १ II
વૈશંપાયને કહ્યું-પછી,તે દુર્યોધન,માતાનાં કહેલાં વચનનો અનાદર કરીને પાછો તેના મંત્રીઓની પાસે ચાલ્યો ગયો.અને ત્યાં કર્ણ,શકુનિ,દુઃશાસન સાથે મળીને તેણે વિચાર કર્યો કે-'આ ચાલાક કૃષ્ણ,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મની સાથે મળીને પ્રથમ આપણને પકડી લેવા ધારે છે પરંતુ,જેમ,ઇન્દ્રે બલિને બળાત્કારથી બાંધી લીધો હતો તેમ,આપણે જ પ્રથમ તે કૃષ્ણને બળાત્કારથી બાંધી લઈએ.કૃષ્ણને કેદ કરેલા સાંભળીને પાંડવોનાં મન ભાગી જશે ને ઉત્સાહ વિનાના થઇ જશે.માટે ચાલો આપણે તે કૃષ્ણને અહીં જ બાંધી લઈએ,પછી યુદ્ધ કરીશું,એ ધૃતરાષ્ટ્ર ભલે બૂમો માર્યા કરે'
