અધ્યાય-૧૩૮-ભીષ્મ તથા દ્રોણનો,દુર્યોધનને ફરીથી ઉપદેશ
II वैशंपायन उवाच II कुंत्यास्तु वचनं श्रुत्वा भीष्मद्रौणो महारथौ I दुर्योधनमिदं वाक्यमुचतुःशासनातग II १ II
વૈશંપાયને કહ્યું-કુંતીનાં વચન સાંભળીને,મહારથી ભીષ્મ અને દ્રોણ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે દુર્યોધન,કુંતીએ શ્રીકૃષ્ણ આગળ જે અતિઉત્તમ અને ભયંકર વચનો કહ્યાં છે,તે વાસુદેવને માન્ય એવાં વચનો પ્રમાણે કુંતીપુત્રો અવશ્ય કરશે અને તેઓ રાજ્ય મેળવ્યા વિના શાંત થશે નહિ.તે વખતે સભામાં,ધર્મપાશથી બંધાયેલા પાંડવોને તેં બહુ ક્લેશ આપ્યો હતો,ને તેઓએ સહન કર્યો હતો પણ હવે તેઓ તને ક્ષમા કરશે નહિ.પૂર્વે,વિરાટનગરમાં અર્જુને એકલાએ આપણ સર્વને હરાવ્યા હતા તે તને પ્રત્યક્ષ જ છે.ઘોષયાત્રા વખતે કર્ણ અને તને અર્જુને જ ગંધર્વો પાસેથી છોડાવ્યો હતો તે પૂરતું જ ઉદાહરણ છે.માટે તું પાંડવોની સાથે સલાહ કરી દે,ને મૃત્યુની દાઢમાં ગયેલી આ પૃથ્વીનું રક્ષણ કર.