અધ્યાય-૧૪૪-કર્ણની પાસે કુંતી
II वैशंपायन उवाच II असिद्वानुनये कृष्णे कुरुभ्यः पांडवान गते I अभिगम्य पृथां क्षत्ता शनैः शोचन्निवा ब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-જેમની સમજાવટ સિદ્ધ થઇ ન હતી,તે શ્રીકૃષ્ણ કૌરવોની પાસેથી પાંડવો પાસે ગયા,તે પછી વિદુર કુંતીની પાસે જઈને શોક કરતા હોય તેમ કહેવા લાગ્યા કે-'મારો અભિપ્રાય તો યુદ્ધ ન કરવા તરફ છે,એ તમે જાણો છો.હું ઘણી બૂમો પાડું છું પણ દુર્યોધન મારુ કહેવું સ્વીકારતો નથી.પાંડવોએ રાજાઓની સાથે ઉપલવ્યમાં આવીને પડાવ નાખ્યો છે.યુધિષ્ઠિર બળવાન છે તો પણ સ્વજ્ઞાતિ પર સ્નેહ હોવાને લીધે દુર્બલની જેમ ધર્મની જ આકાંક્ષા રાખ્યા કરે છે.એટલે તેમને કંઈ કહેવાનું નથી પરંતુ આ ધૃતરાષ્ટ્ર શાંત પડતા નથી અને એ પુત્રના પ્રેમમાં અધર્મના માર્ગને વર્તે છે.દુર્યોધન ને તેના મંત્રીઓને લીધે પરસ્પર ભેદ પડશે ને તેઓના અધર્મનું ફળ,તેમના વિનાશરૂપ જ થશે.કૌરવો શાસ્ત્રથી વિરુદ્ધ વાતને બલાત્કારે ધર્મનું સ્વરૂપ આપે છે તેનાથી સંતાપ થાય છે.કેશવ,સલાહ કર્યા વિના ગયા એટલે પાંડવો આ મહાયુદ્ધના માટે ઉદ્યોગ કરશે.યુદ્ધમાં થનારા મહાવિનાશનો વિચાર કરતા મને રાત્રે નિંદ્રા પણ આવતી નથી (9)