અધ્યાય-૮૮-આઠમો દિવસ-સુનાભ વગેરે કૌરવોનો સંહાર
॥ संजय उवाच ॥ भीष्मं तु समरे कृद्वं प्रतपन्तं समंतत I न शेकुः पांडवा द्रष्टुं तपन्तमिव भास्कर ॥१॥
સંજયે કહ્યું-રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા અને ચારે બાજૂથી સંતાપ પમાડતા ભીષ્મને પાંડવ યોદ્ધાઓ,જેમ,તપતા સૂર્યને જોઈ શકાય નહિ તેમ,જોઈ શકતા નહોતા.પછી,યુધિષ્ઠિરની આજ્ઞા થતાં સર્વ સૈન્યો,ભીષ્મ સામે ધસ્યા.સામે ભીષ્મે બાણો મૂકીને સોમક,સૃજય અને પંચાલ યોદ્ધાઓને પાડવા જ માંડ્યા.ભીષ્મના બાણોથી યોદ્ધાઓના મસ્તકો જમીન પર પડવા લાગ્યા.ભીષ્મે રથીઓને રથ વગરના કરી દીધા,ઘોડેસ્વારોને ઘોડાઓ પરથી ને હાથીસ્વારોને હાથીઓ પરથી પાડી દીધા.ભીષ્મના અસ્ત્રોથી મૂર્છા પામેલા અને માર્યા ગયેલા પર્વત જેવડા હાથીઓ રણભૂમિ પર પડેલા દેખાતા હતા ત્યારે ભીમસેન સિવાય બીજો કોઈ યોદ્ધો ત્યાં નજરે ચડતો નહોતો.ભીમસેન ભીષ્મ પાસે આવીને તેમના પર પ્રહાર કરી રહ્યો હતો.





