Apr 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-795

તે બ્રહ્મ કૂટસ્થ (ગતિ-ભેદ-કે જાતિ વગરનું) અદ્વિતીય અને કાર્ય-કારણ રહિત છે,
માટે તે કોઈ રીતે પણ કોઈ કાર્યનું ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી અને તેનાથી સૃષ્ટિ થયેલી જ નથી.
આ જગતમાં નામ-રૂપમાં પ્રીતિને લીધે ચિત્તને રંજન કરનારું આ જે કંઈ દેખાય છે,
તે સર્વ ચૈતન્યમાં એક-રૂપે જ રહેલું છે,છતાં,માયા વડે,કેમ જાણે ઉત્પન્ન  થયું હોય તેમ લાગે છે.
વળી,કોઈ પણ પદાર્થમાં કારણ વિના કાર્ય ઘટતું નથી,
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.

Apr 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-794

આમ, કેવળ ચૈતન્ય-રૂપ-આત્મામાં,જે સૃષ્ટિની પ્રતીતિ થાય છે,તે ચૈતન્ય-રૂપ જ છે અને (તે સૃષ્ટિ) ઉત્પન્ન જ નહિ થયા છતાં,માયા વડે ઉત્પન્ન થયા જેવી ભાસે છે.તે અધિષ્ઠાનચૈતન્ય જ સૃષ્ટિના આદિકાળમાં- પોતે નિર્વિકાર,પ્રકાશ-રૂપ અનાદિ અને પોતાના સ્વરૂપનો ત્યાગ નહિ કરતા અને અનેક-રૂપે ઉત્પન્ન નહિ થયા છતાં,કેમ જાણે પોતાના ચૈતન્ય-સ્વ-રૂપ વડે,માયાથી પોતે અનંત (સમષ્ટિ) ચિત્ત-રૂપે થઇ રહેલ હોય તેમ દેખાય છે.અને સ્થૂળતાની કલ્પનાને લીધે,હિરણ્યગર્ભથી સ્થૂળ વિરાટને આકારે પ્રસરી રહેલ હોય તેમ લાગે છે.